ગાંધીનગર, 20 જાન્યુઆરી, 2026 – Tata Mumbai Marathon 2026 ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026માં રજત પદક જીત્યો લીધો છે.
અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સરળ પૃષ્ઠભૂમિમાંથી આવેલા નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની દીકરી નિરમાએ પડકારજનક 41.195 કિમીનું અંતર પાર કરી 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો.
તેમની સિલ્વર મેડલની આ જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી, પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત ઉદાહરણ છે, જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત બનાવે છે, સમુદાયને ઉન્નત કરે છે અને સપનાઓને હકીકતમાં ફેરવે છે.
કોણ છે નિરમા ઠાકોર?
ખેડૂત પરિવારમાં જન્મેલા નિરમા ઠાકોરની યાત્રા સંઘર્ષ, ત્યાગ અને અડગ સંકલ્પની પ્રેરણાદાયક કહાની છે. આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક અવરોધોને પાર કરીને તેમણે આજે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં 19થી વધુ મેડલ જીત્યા છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે સહકાર અને તકનો આધાર મળે તો પ્રતિભા ઇતિહાસ રચી શકે છે.
નિરંતર મહેનત અને અડગ આત્મવિશ્વાસથી ખેતી બેંકની -ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીતીને સપનાઓને સિદ્ધિમાં ફેરવ્યા છે.
આ ગૌરવના ક્ષણે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કુમારી નિરમા ઠાકોરની આ સફળતાને ખેતી બેંક માટે ગૌરવ અને દેશની યુવા શક્તિ માટે પ્રેરણા ગણાવી છે. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના દૂરદર્શી અને પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશમાં રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણને મળતું મજબૂત પ્રોત્સાહન આવી ઐતિહાસિક સિદ્ધિઓનો આધારસ્તંભ બની રહ્યો છે. ખેતી બેંકને તેની બ્રાન્ડ એમ્બેસેડર પર હૃદયથી ગર્વ છે.
ખેતી બેંક એ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી સીમિત નથી પરંતુ ગરવા ગુજરાત રાજ્યના ખમીરવંતા ખેડૂતો અને ગુજરાતના યુવાનોને પ્રોત્સાહન તેમજ એક સહકારથી સમૃદ્ધિના નૂતન વિચારને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કાર્ય પણ કરે છે અને સદૈવ કરતી રહેશે. ખેતી બેંક આ સિલ્વર વિજયને ગૌરવપૂર્વક વંદન કરે છે અને સહકારી દ્રષ્ટિકોણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરે છે.

