Site icon Revoi.in

ઉત્તર ભારતનો કુખ્યાત હથિયાર તસ્કર ઝડપાયો

Social Share

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપીની ઓળખ કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ તરીકે થઈ છે, જે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. NIA માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

NIAની તપાસમાં ખુલાસો થયો છે કે, કમલકાંત વર્મા ગેરકાયદેસર હથિયારોના નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે હરિયાણા અને અન્ય સ્થળોએ આવેલા વિવિધ ‘ગન હાઉસ’માંથી ગેરકાયદેસર રીતે દારૂગોળો અને હથિયારો મેળવતો હતો. ત્યારબાદ આ જથ્થો ઉત્તર પ્રદેશના રસ્તે બિહાર અને દેશના અન્ય ભાગોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં આ 11મી ધરપકડ છે. એજન્સીનું માનવું છે કે આ ધરપકડથી ઉત્તર ભારતમાં ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેઈન તૂટી જશે.

ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બરે NIA એ ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે રવિ રંજન, શશિ પ્રકાશ, વિજય કાલરા અને કુશ કાલરા નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા હતા. આ કડીમાં હવે મુખ્ય આરોપી ઝડપાયો છે.

Exit mobile version