નવી દિલ્હી, 17 માર્ચ 2026: ઉત્તરાખંડમાં આગામી 19 એપ્રિલ થી શરૂ થઈ રહેલી પવિત્ર ચારધામ યાત્રા (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ‘હેલ્થ કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે સરકારે ‘ઈ-સ્વાસ્થ્ય ધામ’ (e-Swasthya Dham) પોર્ટલ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવાની જાહેરાત કરી છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડો. ધન સિંહ રાવતે જણાવ્યું છે કે, આ વખતે યાત્રા પર આવતા દરેક શ્રદ્ધાળુના સ્વાસ્થ્યની રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓએ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે, જેનાથી તેમની જૂની બીમારીઓ અને હાલની સ્થિતિનો ડેટા તંત્ર પાસે રહેશે. 50 વર્ષથી વધુ વયના અથવા હૃદયરોગ, ડાયાબિટીસ જેવી બીમારી ધરાવતા યાત્રીઓની વિશેષ દેખરેખ રાખવામાં આવશે. જો કોઈ શ્રદ્ધાળુની તબિયત બગડે છે, તો પોર્ટલ દ્વારા તેમના હેલ્થ રેકોર્ડ્સ જાણીને ડોક્ટરો તુરંત સચોટ સારવાર આપી શકશે.
સરકારે યાત્રા માર્ગો પર સ્વાસ્થ્ય સુવિધાઓનો મોટો કાફલો તૈનાત કર્યો છે. કુલ 177 એમ્બ્યુલન્સ, જેમાં 108 ઇમરજન્સી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સામેલ છે. ટીહરીમાં બોટ એમ્બ્યુલન્સ અને ગંભીર સ્થિતિ માટે હેલી-એમ્બ્યુલન્સ (AIIMS ઋષિકેશ દ્વારા સંચાલિત) કાર્યરત રહેશે. યાત્રાના રસ્તાઓ પર 25 મેડિકલ રિલીફ પોસ્ટ અને 33 હેલ્થ સ્ક્રીનિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો

