રસોડામાં મસાલા તરીકે વપરાતું જાયફળ માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. ‘મિરિસ્ટિકા ફ્રેગ્રન્સ’ નામના વૃક્ષ પર થતું આ ફળ એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પાવરફુલ કમ્પાઉન્ડ્સથી ભરપૂર હોય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જાયફળ હૃદયના સ્વાસ્થ્યને સુધારવા, બ્લડ શુગરને નિયંત્રિત કરવા અને મૂડ બૂસ્ટ કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. પ્રાચીન કાળથી દાદી-નાનીના વૈદુમાં જાયફળનું વિશેષ મહત્વ રહ્યું છે.
શરદી-ઉધરસમાં તાત્કાલિક રાહતઃ શિયાળામાં કે બદલાતી ઋતુમાં બાળકોને થતી શરદી અને કફની સમસ્યામાં જાયફળ ખૂબ જ અસરકારક છે. જાયફળને દૂધમાં ઘસીને બાળકને પીવડાવવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડે છે અને જકડાણમાંથી રાહત મળે છે. દિવસમાં એકવાર અડધી નાની ચમચી ઘસેલું જાયફળ આપવું હિતાવહ છે.
ખીલમાંથી મુક્તિઃ ચામડીની સમસ્યાઓ માટે જાયફળ વરદાન સમાન છે. જો ચહેરા પર કાળા ડાઘ હોય, તો જાયફળના પાવડરને કાચા દૂધ અથવા ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. અઠવાડિયામાં ત્રણ વાર આ લેપ 10-12 મિનિટ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ દૂર થાય છે અને ત્વચામાં કુદરતી ચમક આવે છે.
તણાવ દૂર કરી સારી ઊંઘ લાવશેઃ આજની ભાગદોડભરી જિંદગીમાં અનિદ્રા અને સ્ટ્રેસ સામાન્ય છે. રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં બે ચપટી જાયફળનો પાવડર નાખીને પીવાથી મન શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે. સંશોધનો મુજબ, જાયફળમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો શરીરને રિલેક્સ કરવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવા અને સોજામાં રાહતઃ ગઠિયા અથવા સ્નાયુઓના દુખાવાથી પરેશાન લોકો માટે જાયફળનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. જાયફળના પાવડરને તલના તેલમાં મિક્સ કરીને સાંધા પર માલિશ કરવાથી સોજો ઉતરે છે અને દુખાવામાં ઝડપથી રાહત મળે છે.
મોઢાની દુર્ગંધ અને પેઢાની સમસ્યાઃ જાયફળમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના બેક્ટેરિયાનો નાશ કરે છે. જો પેઢામાં સોજો કે મોઢામાંથી વાસ આવતી હોય, તો જાયફળના અર્કવાળા માઉથવોશનો ઉપયોગ કરો અથવા જાયફળનો નાનો ટુકડો મોઢામાં રાખીને ચૂસો. તેનાથી પેઢાનો દુખાવો પણ ઓછો થશે.
જાયફળનો ઉપયોગ હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ, કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

