Site icon Revoi.in

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ પર હાજર ન થનારા તબીબો પાસેથી સરકારી ધારાધોરણ પ્રમાણે બોન્ડ વસુલવાની જોગવાઈ છે. તેમ છતાં માત્ર 244 તબીબો પાસેથી 12.8 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે બાકીના ફરજ પર હાજર ન થનારા તબીબો સરકારના આદેશને ઘોળીને પી ગયા છે. આવા તબીબો પાસે બોન્ડના નિયમ મુજબ 83.60 કરોડ વસુલવાના બાકી છે.

રાજ્ય સરકારની ઢીલી નીતિને કારણે સરકારી કોલેજોમાં મામુલી ફી ભરીને એમબીબીએસ ભણેલા તબીબોને ફરજ પર હાજર ન થતાં બોન્ડની રકમ વસુલાતી નથી. બીજીબાજુ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં ખાલી પડેલી તબીબોની જગ્યાઓ ભરાતી નથી અને નછૂટકે ગરીબોને ખાનગી હોસ્પિટલોમાં તોતિંગ ફી ચૂકવીને સારવાર લેવાની ફરજ પડી રહી છે. સરકારી હોસ્પિયલોમાં બાળમૃત્યું દરમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી માત્ર 16 જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં જ સિટી સ્કેન મશીનો અને પાંચ હોસ્પિટલોમાં જ એમઆરઆઈની સુવિધા છે. આમ આરોગ્યનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં સરકારની અણઆવડતને કારણે રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચી નથી તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વિવિધ રોગાના નિષ્ણાંત તબીબોનું મહેકમ 1513નું છે, તે પૈકી 589 તબીબો જ સેવારત છે. અને 841 નિષ્ણાત તબીબોની જગ્યાઓ ખાલી છે.  જિલ્લાની હોસ્પિટલોમાં ફુલ ટાઈમ સર્જન, પોલોજીસ્ટ, ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, ઓપ્થલ્મિક સર્જન, રેડિયોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટિક્સ, મનોરોગ ચિકિત્સક, ઈએનટી સર્જન, માઈક્રોબાયોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન, વગેરે તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. નિષ્ણાત તબીબો ન હોવાથી ગરીબો અને મધ્યમ વર્ગના દર્દીઓને તોતિંગ ફી ચૂકવીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. સરકારી હોસ્પિટલોમાં જે જગ્યાઓ ખાલી છે જેમાં પાટણમાં 83, મહેસાણામાં 35, અમદાવાદમાં 55, ગાંધીનગરમાં 49, જુનાગઢમાં 49 અને સુરેન્દ્રનગરમાં 27 જગ્યાઓનો સમાવેશ થાય છે.

તેમમે ઉમેર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં માત્ર તબીબોની અનેક જગ્યાઓ તો ખાલી છે પણ તબીબી સાધનોની પણ કમી છે. 33 જિલ્લામાં માત્ર 16 સિટીસ્કેન મશીનો જ ઉપલબ્ધ છે. એટલે 20 જિલ્લાની હોસ્પિટલો સિટીસ્કેન વિહોણી છે. અને જે હોસ્પિટલોમાં સિટીસ્કેનની સુવિધા છે જેમાં કેટલીક હોસ્પિટલોમાં મશીનો બંધ હાલતમાં છે, આમ સરકારની નિષ્ક્રિયતાને કારણે અંતે તો ગરીબોને મોંઘી સારવાર લેવાની ફરજ પડી રહી છે.