Site icon Revoi.in

ઈન્ડોનેશિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, રામાયણ-મહાભારત આપણને જોડે છે

Social Share

જકાર્તા, 7 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતા બે મહાન દેશો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને લોકતાંત્રિક સંબંધોને નવો વેગ આપ્યો છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે સવારે મને ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો છે, જે મારા માટે અતિ સૌભાગ્યની વાત છે. હું ઈન્ડોનેશિયાના નાગરિકોના આ સ્નેહને અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતા પૂર્વક સ્વીકારું છું, જે તેઓ અસંખ્ય ભારતીયો પ્રત્યે રાખે છે. પીએમ મોદીએ પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટો સાથેના અંગત સંબંધોનો ઉલ્લેખ કરતા હળવા અંદાજમાં કહ્યું કે, આજે સવારે રાષ્ટ્રપતિ પ્રાબોવોએ કોપીરાઈટ વિશે વાત કરી હતી. પરંતુ, આ પરસ્પર પ્રેમ, સ્નેહ, મિત્રતા કે આદરની ભાવના પર ક્યારેય કોઈનો કોપીરાઈટ હોઈ શકે નહીં. રાષ્ટ્રપતિ પ્રાબોવો સાથેની મારી મિત્રતા કોપીરાઈટની તમામ સીમાઓથી પર છે.

પોતાના સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈન્ડોનેશિયાની સંસદ અને લોકશાહીના આ પવિત્ર મંદિરમાં આપ સૌની વચ્ચે આવવું એ મારા માટે બહુ ગૌરવની બાબત છે. હું અહીં વિશ્વમાં લોકશાહીની જનની એટલે કે ‘મધર ઓફ ડેમોક્રેસી’ના એક ભાગ્યશાળી નાગરિક અને 140 કરોડ ભારતવાસીઓના પ્રતિનિધિ તરીકે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ઈન્ડોનેશિયાના લોકોએ, અહીંના વહાલા બાળકોએ, યુવાનો અને મહિલાઓએ જે ઉત્સાહથી મારું સ્વાગત કર્યું છે, તેણે આજના દિવસને મારા જીવનના સૌથી યાદગાર દિવસોમાંથી એક બનાવી દીધો છે અને આ પ્રેમ હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ ઉમેર્યું કે, ભારત અને ઈન્ડોનેશિયા માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ એક જ મહાસાગર અને ભવ્ય ઈતિહાસથી જોડાયેલા છે. રામાયણ, મહાભારત અને નાલંદા યુનિવર્સિટીનો પ્રાચીન વારસો આપણને સદીઓથી પરસ્પર જોડે છે. ભારત, ઈન્ડોનેશિયા અને હિંદ મહાસાગર આ નામો જ આપણા ઊંડા અને અતૂટ સંબંધોની સાક્ષી પૂરે છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે, જ્યારે ઈન્ડોનેશિયા વિશ્વની ત્રીજી સૌથી મોટી ડેમોક્રેસી છે. ભારતમાં સેંકડો ભાષાઓ અને અનેક પરંપરાઓ છે, તો આવી જ વિવિધતા ઈન્ડોનેશિયામાં પણ જોવા મળે છે. ભારત પાસે ‘વસુધૈવ કુટુંબકમ્’નો મંત્ર છે, તો ઈન્ડોનેશિયા પાસે ‘ભિન્નેકા તુંગલ એક્કા’ (વિવિધતામાં એકતા) નો અદભુત વિચાર છે. આપણે બંને દેશોએ આ વિવિધતાને જ આપણી એકતાનો મજબૂત પાયો બનાવ્યો છે.

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના કદ વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. છેલ્લા એક દાયકામાં 25 કરોડથી વધુ ભારતીયો ગરીબીની બહાર આવ્યા છે. આ જ કારણ છે કે જ્યારે ભારત અને ઈન્ડોનેશિયા વૈશ્વિક મંચ પર સાથે ઉભા રહે છે, ત્યારે વિશ્વનો આ ભરોસો વધુ મજબૂત બને છે કે લોકશાહીથી જ પ્રગતિના નવા અવસરો પેદા થાય છે. આપણે બંને દેશો દુનિયાના સૌથી યુવા સમાજોમાંના એક છીએ અને મજબૂત દરિયાઈ તાકાત ધરાવીએ છીએ. આ સાથે જ આપણે બંને દેશો વિકસતા દેશો એટલે કે ‘ગ્લોબલ સાઉથ’નો એક બુલંદ અવાજ છીએ. ગત વર્ષે ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અંદાજે 25 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે અને હાલમાં ઈન્ડોનેશિયામાં 100થી વધુ ભારતીય કંપનીઓ સફળતાપૂર્વક કામ કરી રહી છે. આપણે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ, પરંતુ ભવિષ્ય માટે આપણી વચ્ચે વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હજુ પણ અસીમ તકો રહેલી છે.

Exit mobile version