Site icon Revoi.in

PM મોદીના વિદેશ પ્રવાસો પાછળ પાંચ વર્ષમાં 557 કરોડનો ખર્ચ થયો, સરકારે સંસદમાં આપ્યા આંકડા

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પાછળ થતો જંગી ખર્ચ અવારનવાર રાજકીય ચર્ચાનો વિષય બનતો હોય છે. આ દરમિયાન હવે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વર્ષ 2021 થી લઈને 2026 (જુલાઈ સુધી) સુધીના તમામ વિદેશ પ્રવાસોનો સત્તાવાર અને વિગતવાર હિસાબ રજૂ કર્યો છે. સરકારી આંકડાઓ મુજબ, 2021 થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર આશરે રૂ. 557 કરોડનો ખર્ચ થયો છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે હજુ કેટલીક યાત્રાઓના બિલ ચૂકવવાના બાકી હોવાથી આ આંકડામાં થોડો ફેરફાર થઈ શકે છે.

વર્ષ 2021 દરમિયાન વડાપ્રધાને બાંગ્લાદેશ, અમેરિકા, ઇટાલી અને બ્રિટનનો પ્રવાસ કર્યો હતો, જે પાછળ કુલ રૂ. 36.12 કરોડ ખર્ચાયા હતા. આ પ્રવાસોમાં 22 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી અમેરિકાની યાત્રા સૌથી મોંઘી સાબિત થઈ હતી, જે પાછળ રૂ. 19.63 કરોડનો ખર્ચ થયો હતો.

વર્ષ 2022માં પીએમ મોદી જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, નેપાળ, જાપાન (બે વખત), ઉઝબેકિસ્તાન, યુએઈ અને ઇન્ડોનેશિયાની મુલાકાતે ગયા હતા, જેનો કુલ ખર્ચ રૂ. 55.83 કરોડ નોંધાયો હતો. આ વર્ષે જૂન મહિનામાં યોજાયેલી જર્મનીની યાત્રા સૌથી મોંઘી રહી હતી, જે પાછળ રૂ. 14.47 કરોડ ખર્ચાયા હતા.

વર્ષ 2023માં જાપાન, ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યુ ગિની, અમેરિકા, ઇજિપ્ત, ફ્રાન્સ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ અને ઇન્ડોનેશિયા સહિતના દેશોનો પ્રવાસ ખેડવામાં આવ્યો હતો, જેના પર કુલ રૂ. 93.63 કરોડનો ખર્ચ થયો હતો. આ વર્ષ દરમિયાન જૂન મહિનાની અમેરિકા મુલાકાત પાછળ સૌથી વધુ રૂ. 22.89 કરોડનો ખર્ચ થયો હતો.

વર્ષ 2024 દરમિયાન યુએઈ, કતાર, ભૂટાન, ઇટાલી, રશિયા, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, યુક્રેન, બ્રુનેઈ, સિંગાપોર, અમેરિકા, લાઓસ, નાઈજીરિયા, બ્રાઝિલ, ગયાના અને કુવૈતની યાત્રાઓ પાછળ કુલ રૂ. 109.51 કરોડ ખર્ચાયા હતા. આમાં રશિયાની બે યાત્રાઓ પર રૂ. 16 કરોડથી વધુ અને સપ્ટેમ્બરની અમેરિકા યાત્રા પર રૂ. 15.33 કરોડ ખર્ચ થયા હતા.

વર્ષ 2025 એ અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક ખર્ચવાળું વર્ષ રહ્યું હતું, કારણ કે પીએમ મોદીએ આ વર્ષે સૌથી વધુ દેશોનો પ્રવાસ કર્યો હતો. ફ્રાન્સ, અમેરિકા, મોરિશિયસ, થાઈલેન્ડ, શ્રીલંકા, સાઉદી અરેબિયા, કેનેડા, બ્રાઝિલ, બ્રિટન, માલદીવ, ચીન, જાપાન અને દક્ષિણ આફ્રિકાની મુલાકાતો પાછળ કુલ રૂ. 187.83 કરોડ ખર્ચાયા હતા, જેમાં ફ્રાન્સની યાત્રા સૌથી મોંઘી રહી હતી જેનો ખર્ચ રૂ. 25.59 કરોડ હતો.

ચાલુ વર્ષ 2026માં જુલાઈ સુધી મલેશિયા, ઇઝરાયેલ, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટાલી, સ્લોવાકિયા, સેશેલ્સ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસો યોજાયા છે, જે પાછળ અત્યાર સુધી રૂ. 74.59 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે. જોકે સરકારે જણાવ્યું છે કે હજુ કેટલાક બિલ આવવાના બાકી છે અને જૂન 2026માં યોજાયેલી ફ્રાન્સ યાત્રાનો ખર્ચ આ આંકડામાં જોડવામાં આવ્યો નથી.

Exit mobile version