Site icon Revoi.in

UPમાં ધર્મના નામે રાજકારણ ગરમાયું : SPના મુસ્લિમ MLAએ વિધાનસભા સંકુલમાં નમાઝ માટે રૂમની કરી માંગણી

Social Share

લખનૌઃ ઝારખંડ વિધાનસભા પરિસરમાં મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા રૂમની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ તથા હિન્દુ સંહઠનો પણ હવે વિધાનસભા સંકુલમાં અન્ય ધર્મના લોકો માટે પૂજાના રૂમની ફાળવણી કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ધર્મના નામે રાજકારણ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના એક મુસ્લિમ ધારાસભ્યએ ઉત્તરપ્રદેશ વિધાનસભા પરિસરમાં એક રૂમ નમાઝ પઢવા માટે ફાળવવાની માંગણી કરી છે. દરમિયાન બિહારમાં પણ ભાજપના ધારાસભ્યએ વિધાનસભા સંકુલમાં હનુમાન ચાલીસા કરવાની મંજૂરી આપવાની માંગણી કર છે.

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીએ વિધાનસભાના સ્પીકરને પત્ર લખીને કહ્યું છે કે ધારાસભ્ય હોવાને કારણે હું માગણી કરૂ છું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા માટે વિધાનસભા પરિસરમાં એક રૂમ ફાળવવામાં આવે. ઝારખંડ વિધાનસભામાં જે રીતે સરકારે આ સુવિધા આપી તેવી જ સુવિધા અહીં પણ આપવામાં આવે. સ્પીકરે મારી માગણીઓ અંગે વિચારવું જોઇએ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ પ્રાર્થના કે નમાઝ માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે તો આવું વિધાનસભા પરીસરમાં કરવામાં શું વાંધો છે? આમ હવે ઉત્તરપ્રદેશમાં પણ ધર્મના નામે રાજકારણ શરૂ થયાનું ચર્ચાઈ રહ્યું છે. બિહારના ભાજપના ધારાસભ્ય હરી ભુષણ ઠાકુર બચૌલે માગણી કરી છે કે વિધાનસભા પરીસરમાં અલગ રૂમ ફાળવીને જો નમાઝ પઢવાની અનુમતી આપવામાં આવતી હોય તો વિધાનસભામાં અમને હનુમાન ચાલીસાના પાઠ કરવાની અનુમતી આપવામાં આવે.