Site icon Revoi.in

મહેમાનો માટે ઘરે જ તૈયાર કરો રોયલ કેસર-બદામ મિલ્ક, જાણો રેસીપી

Social Share

હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઘરોમાં મીઠાઈઓ અને અવનવી વાનગીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હોળીના તહેવાર પર મહેમાનોનું સ્વાગત કરવા માટે જો તમે કોઈ ખાસ અને ક્રીમી ફ્લેવરવાળું ડ્રિંક શોધી રહ્યા હોવ, તો ‘કેસર-બદામ મિલ્ક’ એક ઉત્તમ વિકલ્પ છે. આ પીણું સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.

દૂધ: 1 લિટર (ફુલ ક્રીમ)

બદામ: 10-12 નંગ

કેસર: 10-12 તાંતણા

ખાંડ: સ્વાદ મુજબ

ઈલાયચી પાવડર: અડધી નાની ચમચી

કાજુ/પિસ્તા: ઝીણા સમારેલા (સજાવટ માટે)

સૌ પ્રથમ બદામને રાતભર અથવા ઓછામાં ઓછા 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો. હવે આ બદામને મિક્સરમાં લઈ તેમાં 2-3 ચમચી દૂધ ઉમેરી તેની ઘટ્ટ અને મુલાયમ (મહીન) પેસ્ટ બનાવી લો. એક ઊંડા વાસણમાં 1 લિટર દૂધ લઈ તેને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. જ્યારે દૂધમાં એક ઉભરો આવે, ત્યારે આંચ ધીમી કરી તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દો. દૂધ નીચે ચોંટે નહીં તે માટે વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવતા રહો. હવે ઉકળતા દૂધમાં તૈયાર કરેલી બદામની પેસ્ટ ધીમે-ધીમે ઉમેરો અને સતત હલાવતા રહો. ત્યારબાદ 1-2 ચમચી હુંફાળા દૂધમાં પલાળેલા કેસરના તાંતણા દૂધમાં ઉમેરી દો. તેનાથી દૂધનો રંગ આછો કેસરી અને ક્રીમી થશે તેમજ સરસ સુગંધ આવશે. હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને ધીમી આંચ પર વધુ 4-5 મિનિટ સુધી પકાવો. છેલ્લે તેમાં ઝીણા સમારેલા કાજુ અને પિસ્તા ઉમેરી 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. તમારું હોળી સ્પેશિયલ કેસર-બદામ મિલ્ક તૈયાર છે. તમે તેને ગરમાગરમ પીરસી શકો છો અથવા ફ્રીજમાં ઠંડુ કરીને ‘ચિલ્ડ ડ્રિંક’ તરીકે પણ મહેમાનોને આપી શકો છો.

આ પણ વાંચોઃ ભાવનગર-મુંબઈ વચ્ચે માર્ચના અંત સુધીમાં બે વિમાની સેવા શરૂ કરાશે

Exit mobile version