Site icon Revoi.in

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો છે. જે લોકો કાયદાની વિરુદ્ધ જઈને બંદૂકો ઉપાડે છે તેમને આપણે કહેવાની જરૂર છે, અમે તેમને માફ નહીં કરીએ.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કાર્યવાહી કરવાની પણ હાકલ કરી છે. તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આપણે પૂછવું પડશે કે આપણે ક્યાં સુધી ભગવાનના નામે ‘ગન-લોબી’ માટે ઊભા રહીશું અને તેની સામે શું કરી શકીએ? એવા માતાપિતા વિશે વિચારવાની જરૂર છે જેઓ તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે પગલાં લેવાનો સમય આવી ગયો છે. જે લોકો કાયદાની વિરુદ્ધ જાય છે અને બંદૂકો ઉપાડે છે તેમને માફ નહીં કરવામાં આવે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ સાથે વાત કરી હતી. તેમણે તેમની પાસેથી શાળામાં બનેલી ઘટના વિશે પૃચ્છા કરીને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. ટેક્સાસમાં હુમલા બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોર સ્કૂલનો જૂનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. આ ઘટના સૈન એન્ટોનિયોથી પશ્ચિમમાં 80 કિમી (50 માઇલ) દૂર આવેલા નાના વિસ્તાર ઉવાલ્ડેમાં બની હતી. હુમલાખોર ઘટના પહેલા તેની કાર શાળાની બહાર છોડી ગયો હતો. ત્યારબાદ શાળામાં પ્રવેશતાની સાથે જ તેણે બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.