Site icon Revoi.in

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 3-ડી એઇમ્સ મોડેલ નરેન્દ્ર મોદીને ભેટ ધરવામાં આવશે.

આર.કે. યુનિવર્સટીના અમિત તન્નાએ જણાવ્યું છે કે, આર.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ખોડીદાસ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં સહિયારા પ્રયાસો અને કલાકોની મહેનત બાદ 48 સેમી x 36 સેમી x 15 સેમી સાઈઝની રાજકોટ એઇમ્સની પ્રતિકાત્મક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના પ્રણેતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદગીરી રૂપે આ પ્રતિકૃતિ કાઠિયાવાડની મોંઘેરી પરોણાગત સ્વરૂપે ભેટ અપાશે.

જયારે જસદણના બજરંગ હસ્તકલાના કારીગર સાગર રાઠોડ અને તેમની ટીમે વુડ કાર્વિંગ(લાકડાંની કોતરણી) અને ઓક્સીડાઈઝ મીણાકારી દ્વારા 17 x 27 ઇંચની એઈમ્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે. શ્રી જગદીશભાઈ કલોતરા, અનિલભાઈ છાયાણી અને તેમની ટીમ દ્વારા ત્રણ દિવસની મહેનત બાદ વુડ લેસર કટિંગ અને આર્ટ વર્કના સમન્વયથી આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જે વડાપ્રધાનને ગિફટ કરવામાં આવશે. આ પૂર્વે પ્રધાનમંત્રીને હિરાસર એરપોર્ટ લોકાર્પણ પ્રસંગે પણ પ્લેનની આ પ્રકારની પ્રતિકૃતિ ભેટ અપાઇ હતી.

પ્રધાનમંત્રી રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે, વડાપ્રધાનને અપાનારી રાજકોટના આરોગ્યના મંદિર સમાન આ બંને પ્રતિકૃતિનું નજરાણું તેઓની રાજકોટ મુલાકાતને યાદગાર બનાવી આપશે અને રાજકોટની વડાપ્રધાનને સદા યાદ અપાવતું રહેશે.