Site icon Revoi.in

ક્વાડ કોઈ દેશ વિરુદ્ધ નથી, તેનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રનો વિકાસઃ ભારત

Social Share

નવી દિલ્હી, 30 મે 2026: ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનું સંગઠન ‘ક્વાડ’ કોઈ પણ દેશની વિરુદ્ધમાં નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રના લોકોના હિતમાં વિકાસલક્ષી કાર્યો કરવાનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ક્વાડ એક સહયોગાત્મક મંચ છે. તેનો હેતુ વ્યાવહારિક પહેલોના માધ્યમથી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો છે, અને તે કોઈના પણ વિરુદ્ધ નથી.

પ્રવક્તા જયસ્વાલે વધુમાં ઉમેર્યું કે ક્વાડે જળવાયુ પરિવર્તન, સ્વાસ્થ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની આ ટિપ્પણીઓ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગના તે નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે બીજિંગ વિશેષ જૂથો અને જૂથબંધીના ટકરાવનો સખત વિરોધ કરે છે. ચીને દલીલ કરી હતી કે દેશો વચ્ચેનો સહયોગ ભૌગોલિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે હોવો જોઈએ અને કોઈ ત્રીજા પક્ષને નિશાન ન બનાવવો જોઈએ.

નોર્વેથી ગેસ મળવાના પ્રશ્ન પર રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “જ્યાંથી પણ ગેસ મળે, અમે તેનું સ્વાગત કરીએ છીએ.” તેમણે નોર્વેની બહુરાષ્ટ્રીય ઊર્જા કંપની ઈક્વિનોર સાથે લાંબા ગાળાના કરાર હેઠળ દીપક ફર્ટિલાઈઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડને એલએનજીની પહેલી ખેપ મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નોર્વેના હેમરફેસ્ટ એલએનજી પ્લાન્ટમાંથી પ્રાપ્ત થયેલી આ ખેપ એક લાંબા ગાળાની ઊર્જા ભાગીદારીની શરૂઆતનું પ્રતીક છે. આ પગલાંને ભારતીય ઉદ્યોગો માટે વિશ્વસનીય એલએનજી સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. આ મુદ્દે વધુમાં જણાવતા જયસ્વાલે ભારપૂર્વક કહ્યું કે દેશ માટે ઊર્જા સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Exit mobile version