Site icon Revoi.in

લોકસભામાં રાહુલ ગાંધીનો હૂંકાર, ભારતીય ડેટા એ સૌથી મોટી સંપત્તિ

Social Share

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં આક્રમક અંદાજમાં ભાષણ આપતા કેન્દ્રની મોદી સરકાર અને અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. લાંબા વિવાદ બાદ ગૃહને સંબોધતા રાહુલે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી ટ્રેડ ડીલ કરી છે જેનાથી ભારતના હિતો જોખમાઈ રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે અમેરિકાની નજર ભારતીય ડેટા પર છે.

રાહુલ ગાંધીએ ઈકોનોમિક સર્વેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ભૌગોલિક-રાજકીય સંઘર્ષ વધી રહ્યો છે. રશિયા, ચીન અને અન્ય તાકાતો અમેરિકાના વર્ચસ્વને પડકારી રહી છે. ડૉલરનું પ્રભુત્વ ઘટી રહ્યું છે અને વિશ્વ એક સુપરપાવરથી નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે.” તેમણે યુક્રેન, ગાઝા અને મધ્ય પૂર્વના યુદ્ધોનો ઉલ્લેખ કરી દુનિયામાં વધતી અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

રાહુલે ડેટા સુરક્ષા પર ભાર મૂકતા કહ્યું કે, “અમેરિકા અને ચીન વચ્ચેના મુકાબલામાં સૌથી કિંમતી વસ્તુ ભારતીય ડેટા છે. જો અમેરિકાએ સુપરપાવર બની રહેવું હોય અને ડૉલરને બચાવવો હોય, તો તેને ભારતીય ડેટાની જરૂર પડશે. જે લોકો વસ્તીને બોજ માનતા હતા તેઓ ભૂલી ગયા છે કે આ વસ્તી જ આપણી સૌથી મોટી સંપત્તિ છે, પણ તે ત્યારે જ તાકાત બનશે જ્યારે આપણે આપણા ડેટાની કિંમત સમજીશું.”

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધતા કહ્યું કે, “જો ઈન્ડી ગઠબંધન સત્તામાં હોત અને અમે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે વાત કરતા હોત, તો અમે તેમને સ્પષ્ટ કહેત કે અમે તમારા મિત્ર છીએ, પણ ડેટાના મામલે અમે બરાબરીથી વાત કરીશું. અમે અમેરિકાના નોકર નથી. અમે અમારી એનર્જી સિક્યોરિટી અને ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી ન કરત.”

રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મોદી સરકારે ટ્રેડ ડીલના નામે ડિજિટલ ટ્રેડ રૂલ્સ પરનો કાબૂ છોડી દીધો છે. તેમણે પાંચ મુદ્દાઓ ગણાવ્યા હતા. ડેટા લોકલાઈઝેશનની શરત હટાવી દેવી, અમેરિકામાં ફ્રી ડેટા ફ્લોની છૂટ આપવી, ડિજિટલ ટેક્સ પર મર્યાદા લાદવી અને સોર્સ કોડ જાહેર કરવાની જરૂરિયાત દૂર કરવીનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ અંતમાં કહ્યું કે, જે ડેટા ભારતને 21મી સદીમાં સુપરપાવર બનાવી શકે તેમ છે, તેને મોદી સરકારે વિદેશી કંપનીઓના હવાલે કરી દીધો છે.

આ પણ વાંચોઃ કાશ્મીર ઘાટીમાં 14 ફેબ્રુઆરી સુધી આર્મીને હાઈએલર્ટ રહેવા તાકીદ કરાઈ

Exit mobile version