Site icon Revoi.in

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

Social Share

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં આવી છે. જે તમામ હાલ નિર્માણાધીન છે. રાજકોટની એઇમ્સમાં હાલ ઓ.પી.ડી. કાર્યરત છે. શિક્ષણ કાર્યની સાથોસાથ નિર્માણાધીન હોસ્પીટલમાં ઓગસ્ટ માસમાં 150 બેડ અને સપ્ટેમ્બર માસમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે, ત્યારે ગુજરાતના લોકોને સારવાર માટે અન્ય રાજ્યમાં જવું નહીં પડે.

સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે નિર્માણ થઈ રહી છે, ત્યારે હોસ્પીટલની કામગીરી નિયત સમયમાં કોઈપણ કચાશ વગર પૂર્ણ થાય તે જોવા કેન્દ્રીય મંત્રી ડો. માંડવીયાએ આ તકે કાર્યરત એજન્સીઓ તેમજ એઇમ્સના જવાબદાર અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ તકે મંત્રીએ વિવિધ બ્લોકની કામગીરી નિહાળી હતી. મંત્રીશ્રી માંડવીયાએ હોસ્પિટલને ગ્રીન ઝોન બનાવવા માટે વિદ્યાર્થીઓ, સ્ટાફ સહિત તમામ લોકો દ્વારા એક વૃક્ષ ઉછેરવા સૂચન કર્યું હતું.

રાજકોટ એઇમ્સ ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન આપી જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગ, જન ઔષધી કેન્દ્ર, અમૃત ફાર્મસી, કેન્ટીન, એ.ટી.એમ.આયુષ બ્લોક પૂર્ણતઃ કાર્યરત છે. જ્યારે એકેડેમી બ્લોક, ઇન્ડોર હોસ્પિટલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ગેસ્ટ રૂમ, ડિરેક્ટર બંગલો, હાઉસિંગ બ્લોક ટાઈપ 3 વગેરે પૂર્ણ થઈ ચૂક્યા છે. નર્સિંગ હોસ્ટેલની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચીલર પ્લાન્ટ સ્થપાઈ ચુક્યો છે. જેમાંથી હોસ્પિટલ, એકેડેમી બ્લોક સેન્ટ્રલી એ.સી. કરાશે. 66 કે.વી. નું ટ્રાન્સફોર્મર મુકાઈ ચૂક્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

હાલ હોસ્પિટલ ખાતે છ ઈ-રીક્ષાઓ પણ કાર્યરત છે. ટેલી મેડિસિન કામગીરી હેઠળ રોજના 140 જેટલા મેડિસિનના કોલ અટેન્ડ કરવામાં આવે છે. જ્યારે ફિઝિકલી પ્રતિ માસ 5000 જેટલા ઓ.પી.ડી. કેસ હેન્ડલ કરવામાં આવે છે. હાલ એઇમ્સ ખાતે 150 જેટલા સ્ટુડન્ટ શિક્ષણ મેળવી રહ્યા છે જેમાંથી 142 સ્ટુડન્ટ હોસ્ટેલ ખાતે રહે છે.