Site icon Revoi.in

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

Social Share

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂનો અમલ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા નિયત સમયમાં જ પૂરી કરી દેવાશે. રથયાત્રા 5થી 6 કલાકમાં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  દરમિયાન પોલીસ કમિશનર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રૂટ ડાયવર્ઝન અને નો પાર્કિંગ એવા બે અલગ અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે. રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો છે. આ કરફ્યૂ વાળા  વિસ્તારમાં વાહનોના અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો જાહેર કરવામાં આવ્યાં છે.

અમદાવાદ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ દ્વારા મંદિર પરિસર અને રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દીધો છે. રથયાત્રાના રૂટ ઉપર નજર રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઈને ભક્તોને ઘરે જ ટીવી ઉપર રથયાત્રાના દર્શન કરવા માટે મંદિરના મહંત દીલીપદાસજી દ્વારા અપીલ કરવામાં આવી હતી.