Site icon Revoi.in

રાજ્યના સંતુલિત વિકાસ માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી: નોડલ અધિકારીઓ નિમાયા

Gujarat cabinet decisions
Social Share

ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ Regional Economic Master Plan (EMP)  રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે છ આર્થિક ક્ષેત્ર માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય સંકલ્પબદ્ધ છે. આ વ્યાપક વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રીએ આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો મહત્ત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય થિંક ટેંક “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મેશન-GRIT” આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાનને સફળ બનાવવા માટે સ્ટ્રેટેજીક ફોરસાઈટ અને ડેટા-આધારિત ભલામણો તૈયાર કરશે. GRITની ભલામણો અને આ રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ ૨૦૪૭” અને “ગુજરાત @ ૨૦૩૫”નો રોડ મેપ સાકાર કરવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે.

ઇકોનોમિક માસ્ટર પ્લાન કો-ઓર્ડિનેટર (નોડલ અધિકારી) તરીકે કોની કોની નિયુક્તિ થઈ?

મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મંજૂર કરેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે દરેક રિજન માટે એક ઉચ્ચ અધિકારીની ઇકોનોમિક માસ્ટર પ્લાન કો-ઓર્ડિનેટર (નોડલ અધિકારી) તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર મધ્ય ગુજરાત રિજન માટે ઉદ્યોગ કમિશનર  પી. સ્વરૂપ, સૌરાષ્ટ્ર રિજન માટે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, કચ્છ રિજન માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO  રાજકુમાર બેનીવાલ, દક્ષિણ ગુજરાત રિજન માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના રિજન માટે ખાણ ખનિજ કમિશનર  ધવલ પટેલ તથા ઉત્તર ગુજરાત રિજન માટે GIDCના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણા ડી.કે.ની નિમણૂક કરવામાં આવી છે.

આ EMP કો-ઓર્ડીનેટર ઇકોનોમિક માસ્ટર પ્લાનના અમલીકરણ સાથે જોડાયેલા સરકારી વિભાગો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને GRIT જેવા તમામ હિતધારકો વચ્ચેની મુખ્ય કડી તરીકે કાર્ય કરશે. તેઓ યોજનાઓ અને મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય તે માટે જુદા-જુદા વિભાગો વચ્ચે સંવાદ અને સહયોગ સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત EMP કોઓર્ડિનેટર દરેક પ્રાદેશિક યોજના હેઠળ ઓળખાયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ પર સતત નજર રાખશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ગુજરાત વીજળી નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ

Exit mobile version