Site icon Revoi.in

ડોઝની અછતથી સમગ્ર ગુજરાતમાં 18-44 વયજૂથના રસીકરણ માટે જૂન મહિના સુધી કરવી પડશે પ્રતિક્ષા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં મે મહિનાના આરંભથી 18-44 વર્ષના વયજૂથના લોકો માટે મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જો કે મર્યાદિત સ્લોટને જોતા સમગ્ર રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડના 2.50 કરોડ ડોઝ તેમજ કોવેક્સિનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. જો કે તેની સપ્લાય મે મહિનામાં થાય તેવું સંભવ લાગતું નથી.

મે મહિનાના પ્રારંભથી ગુજરાતના અમદાવાદ સહિત સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જીલ્લામાં નોંધણીના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં 18-44 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત મંગળવારે કુલ 3,53,293 લોકોને રસી અપાઇ છે.

ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે, જેણે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 2.50 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. પરંતુ હાલ કંપની પાસે કેન્દ્ર સરકાર ઉપરાંત અન્ય રાજ્યોના પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેક્સિનના 50 લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે. એટલે હાલ કેન્દ્ર સરકાર દ્વારા 8 રાજ્યોને અપાતા ક્વોટામાં ગુજરાતને દર ચાર દિવસ મળતી વેક્સિનમાંથી 10 મહાનગરો-જીલ્લામાં રસી અપાઇ રહી છે. આ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ રસીના સ્ટોકની વિગતો લેવાઈ હતી તેમજ બગાડ અટકાવવા પર ખાસ ભાર મૂકાયો હતો.

(સંકેત)