Site icon Revoi.in

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

Social Share

અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

નીતિ આયોગના સીનિયર એડવાઇઝર નીલમ પટેલ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી (ગુજરાત યુનિવર્સિટી)ના ડાયરેક્ટર સુધાંશુ જાંગીર વચ્ચે આ SoI પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

નીતિ આયોગ દ્વારા આયોજીત આ ઇવેન્ટમાં એગ્રીપ્રેન્યોરશિપ તેમજ વેલ્યૂ ચેઇન મેનેજમેન્ટ ક્ષેત્રે MBA કોર્સ પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર દ્વારા આ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ કોર્સ અંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, “એગ્રીપ્રેન્યોરશિપ અને વેલ્યૂ ચેઇન મેનેજમેન્ટમાં આઇઆઇએસનો MBA કોર્સ એગ્રીબિઝનેસ લીડર, કૃષિક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, વેલ્યૂ ચેઇન ક્ષેત્રના નિષ્ણાંતોને તેઓના ક્ષેત્રમાં આવશ્યક એવી આવડતો, જ્ઞાન, કૌશલ્ય ઉપલબ્ધ કરાવશે. આ કોર્સથી એગ્રીબિઝનેસની, કૃષિ આધારિત ઉદ્યોગો, ગ્રામીણ અને સંબંધિત ક્ષેત્રે એક સમજ પણ કેળવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ એક સર્વશ્રેષ્ઠ પહેલ છે. નૈસર્ગિક ખેતી માટે એક યોગ્ય ઇકો-સિસ્ટમ વિકસિત કરવા માટે આ કોર્સ ખૂબ જ આવશ્યક છે. અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલીટી અને ગુજરાત યુનિવર્સિટીને આ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપીએ છીએ.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૈશ્વિકીકરણ, પોલિસીમાં સુધારા અને ગ્રાહકોમાં જાગરુકતાથી ભારતીય કૃષિ ક્ષેત્રે માળખાકીય ફેરફારો જોવા મળ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકો તેમજ વેલ્યુ ચેઇન મેનેજમેન્ટ પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ માંગ રહેલી છે. IISનો MBA કોર્સ વિદ્યાર્થીઓ માટે વધુ તકો ઉપલબ્ધ કરાવશે તેમજ એગ્રી-ફૂડ ઇન્ડસ્ટ્રી અને ગ્રામીણ વિકાસ માટે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકો માટે જરૂરી જુસ્સાનો પણ સંચાર કરશે. અમે નીતિ આયોગ સાથેની આ ભાગીદારીને આવકારીએ છીએ. જે ભારતીય કૃષિ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખોલશે.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, “પીએમ મોદીએ જ્યારથી સ્ટાર્ટઅપને અનુલક્ષીને વાત કરી છે, ત્યારે ગુજરાત સરકારે તે તરફ કામ કર્યું છે. શિક્ષણ વિભાગ, ઉદ્યોગ ક્ષેત્ર તેમજ બધી જ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓનાં સ્ટાર્ટઅપના કામથી જ ગુજરાત આ ક્ષેત્રે સતત બે વર્ષથી દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. સંપૂર્ણ સુવિધાયુક્ત I-hub 70 કરોડ રૂપિયાનું છે. જેના પરિણામસ્વરૂપ ભારત સરકારનાં નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવકુમાર આવ્યા છે. તેમની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ પાર્ટ-2, હર સ્ટાર્ટ પાર્ટ-2, ગુજરાત યુનિ.માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇનોવેશન આન્ત્રપ્રેન્યોરશિપ એન્ડ સ્કીલ્સ (IIES), નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટની આપ-લે, કૃષિ ક્ષેત્રે MBA કોર્સની શરૂઆત કરવામાં આવી છે.”

આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.