મુંબઈ, 23 ડિસેમ્બર 2025: India’s first tele-robotic surgery program સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે (HNRFH) ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ (DAOH) અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ દ્વારા HNRFH ના નિષ્ણાત સર્જનો દેશભરના સહયોગી હેલ્થકેર સેન્ટરો પર રિમોટલી રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરશે અને માર્ગદર્શન આપશે. આ સેવા હેઠળ નાનાં નગરો અને ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને સીધી સેવા મળી શકશે.
શું છે ટેલિ-રોબોટિક સર્જરી અને કોને ઉપયોગી થશે?
ટેલિ-રોબોટિક સર્જરી કાર્યક્રમનો હેતુ ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓને અદ્યતન સર્જિકલ સારવાર મળી શકશે. આવા દર્દીઓને મોટાં શહેરો સુધી પહોંચવાની મુસાફરી નહીં કરવી પડે અને છતાં નિષ્ણાતો દ્વારા સમયસર માર્ગદર્શન અને સારવાર મળી શકશે. આ સુવિધા હેઠળ હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ યુરોલોજી-ઓન્કોલોજીના નેતૃત્વમાં કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગર, ગુજરાત ખાતે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા જારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે શું કહ્યું નિષ્ણાત ડૉક્ટરે?
લોન્ચ પ્રસંગે ગ્રુપ CEO – હેલ્થકેર ઇનિશિયેટિવ્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. તરંગ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે: “અદ્યતન હેલ્થકેર ભૌગોલિક સીમાઓથી મર્યાદિત ન હોવી જોઈએ. દાયકાઓથી, વિશિષ્ટ સર્જિકલ કેર કેટલાક શહેરી કેન્દ્રોમાં કેન્દ્રિત રહી છે, જેના કારણે લાખો લોકો સમયસર સારવારથી વંચિત રહી જાય છે. અમારા ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ દ્વારા અમે અદ્યતન રોબોટિક્સ અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતમાં જટિલ સર્જિકલ કેર પહોંચાડી રહ્યા છીએ. મુંબઈમાં અમારા સર્જનોને દેશભરના દર્દીઓ માટે રિમોટલી સર્જરી કરવા માટે સક્ષમ બનાવીને, અમે વર્લ્ડ-ક્લાસ કુશળતાની જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં લઈ જઈ રહ્યા છીએ.”

