- ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે
- સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી
- બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને
[અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ દ્વારા હજારો પરિવારમાં ખુશી લાવી શકાય, તેમ નિલેશભાઈ માંડલેવાલાએ જણાવ્યું હતું.
તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા દેશના શ્રેષ્ઠ નાગરિક સન્માન “પદ્મશ્રી” વિજેતાઓની યાદીમાં સ્થાન પામનાર સુરતના આ ઉદ્યોગપતિ અને અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા નિલેશભાઈએ રિવોઈ સમાચાર પોર્ટલ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 2047માં દેશ સ્વતંત્રતાનું 100મું વર્ષ ઉજવે ત્યારે દેશમાં એકપણ વ્યક્તિ અંગદાનના અભાવે જીવન ન ગુમાવે એવું અમારું સ્વપ્ન છે.
કેવી રીતે સાકાર થશે સ્વપ્ન?
આ સ્વપ્ન કેવી રીતે હાંસલ કરી શકાશે? તેવા પ્રશ્નના જવાબમાં પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલાએ કહ્યું કે, એ માટે જનજાગૃતિના વ્યાપક પ્રયાસ થવા જોઈએ. મીડિયા ઉપરાંત સંતો-મહંતો, કથાકારો પણ જો આ વિશે નિયમિત વાતચીત કરે તો જાગૃતિ ફેલાવવાનું મુશ્કેલ નથી. અને એવું થશે તો 2047નું લક્ષ્યાંક હાંસલ કરવાનું મુશ્કેલ નથી. કૉલેજો અને યુનિવર્સિટીમાં પણ આ માટેના ખાસ કાર્યક્રમ થાય તો પણ વધારે ઝડપથી જાગૃતિ ફેલાવી શકાશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ
અંગદાન પ્રવૃત્તિ અને એ દિશામાં અત્યાર સુધી થયેલી કામગીરી વિશે વિગતે વાત કરતાં પદ્મશ્રી માંડલેવાલાએ જણાવ્યું કે, વીસ વર્ષમાં ડોનેટ લાઈફ સંસ્થાના નેજા હેઠળ 1366 અંગ અને ટિસ્યુનું દાન મેળવવામાં આવ્યું છે અને તેનાથી 1258 દર્દીઓને લાભ થયો છે. સંસ્થાના નિરંતર પ્રયાસોને કારણે ગુજરાતમાં 100થી વધુ ઓર્ગન રિટ્રાઈવલ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન થઈ શક્યું છે.
અંગદાન પ્રવૃત્તિ અને તે માટેની આવશ્યકતાઓ
આ વિશે વિસ્તારથી પૂછવામાં આવતા નિલેશભાઈએ કહ્યું કે, અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે રાજ્ય સ્તરે SOTTO તથા કેન્દ્ર સ્તરે NOTTO કામગીરી કરે છે. જોકે, 2019 સુધી ગુજરાતમાં – સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) જેવું કંઈ હતું નહીં. પરિણામે અંગદાન પ્રવૃત્તિને જોઈએ એટલું બળ મળતું નહોતું. ડોનેટ લાઈફના પ્રયાસોથી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે MoU થયા જેને પગલે સોટ્ટોની રચના કરવામાં આવી અને તેના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 100થી વધુ હોસ્પિટલની નોંધણી થઈ છે.
નિલેશભાઈ માંડલેવાલાએ માહિતી આપી કે, વાસ્તવમાં અંગદાન માટે ઓર્ગન રિટ્રાઈવલ હોસ્પિટલ તરીકેની નોંધણી આવશ્યક હોય છે. ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ હોય ત્યાંથી અંગોનું રિટ્રાઈવલ તો થઈ જાય, પરંતુ જ્યાં ટ્રાન્સપ્લાન્ટ થતું ન હોય તેમણે સોટ્ટો હેઠળ નોંધણી કરાવવી પડે. ટૂંકમાં, અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રિટ્રાઈવલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
બ્રેઈન ડેડ સ્થિતિ વિશે જાગૃતિ સૌથી વધુ જરૂરી
તમારી દૃષ્ટિએ એવા કયા ઉપાય કરી શકાય જેનાથી અંગદાન વિશે વધુ જાગૃતિ ફેલાય અને વધુ લોકોના જીવન બચાવી શકાય?
એ પ્રશ્નના જવાબમાં પદ્મશ્રી માંડલેવાલાએ જણાવ્યું કે, લોકોમાં બ્રેઈન ડેડ વિશેની સમજ સ્પષ્ટ થાય તો અંગદાનની કામગીરી સરળ અને ઝડપી બની શકે તેમ છે. મોટાભાગના લોકો એ જાણતા નથી હોતા કે બ્રેઈન ડેડનો અર્થ એ છે કે, વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે પરંતુ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ દ્વારા હૃદય ચાલુ રાખીને જીવિત રાખવામાં આવે છે. આ ગાળો સૌથી અગત્યનો હોય છે. પરિવારજનો વેન્ટિલેટર મશીન ઉપર હૃદયના ધબકારા જોઈને એમ જ માનતા હોય છે કે તેમના સ્વજન તો જીવે છે તો પછી એ બ્રેઈન ડેડ કેવી રીતે કહેવાય? પરંતુ હકીકતે લાઈફ સપોર્ટ સિસ્ટમ અર્થાત વેન્ટિલેટરનો અર્થ જ એ છે કે, વ્યક્તિ વાસ્તમાં મૃત્યુ પામી ચૂકી છે પણ માત્ર મશીનના સહારે હૃદયના ધબકારા ચાલુ રાખવામાં આવે છે.
આ સમયગાળામાં પરિવારને યોગ્ય રીતે સમજાવીને તેમના બ્રેઈન ડેડ – પરંતુ મૃત્યુ પામેલા સ્વજનનાં અંગોનું દાન કરવા માટે સંમત કરાવી શકાય તો હૃદય, કિડની, હાથ, આંખ, ટિસ્યૂ, લીવર, ફેફસાં જેવાં અંગો નિષ્ફળ જવાથી જે દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હોય તેમને નવજીવન મળી શકે.
દેશ માટે શું આપણે આટલું ન કરી શકીએ?
આપણા સૈન્ય જવાનો સરહદે દુશ્મન સાથે અથવા આંતકીઓ સામે લડતી વખતે ઘણીવાર હાથ-પગ ગુમાવી દેતા હોય છે. આવા સૈન્ય જવાનોને જો કોઈ બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન સમયસર મળી જાય તો તેમનું જીવન ફરી સામાન્ય થઈ શકે અને એવા જવાનોના પરિવારમાં પણ ફરી ખુશી આવી શકે.
તેમણે રિવોઈને જણાવ્યું કે, ગુજરાતમાં તો 2005થી અંગદાનના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, પરંતુ દેશના હજુ એવા ઘણાં રાજ્ય છે જ્યાં આ ક્ષેત્રમાં સાવ નહિવત્ કામગીરી થાય છે.
નિલેશભાઈએ માહિતી આપી કે, ડોનેટ લાઈફ દ્વારા 2023માં અંગદાતા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બ્રેઈન ડેડ વ્યક્તિઓના અંગદાન માટે સંમત થયેલા તેમના પરિવારના સ્વજનોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત હતા. તેમણે તેમના સંબોધનમાં ખૂબ સરસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અંગદાન એ દેશભક્તિ જેવું કામ છે તથા અંગદાતા દેવતા સમાન છે. આપણે પોતે સરહદ ઉપર લડવા જઈ શકતા નથી, ત્યારે આપણે વિચારવું જોઈએ કે હું દેશને કેવી રીતે કામ આવી શકું? તો અંગદાન એ એવું જ મોટું દેશસેવાનું કામ છે તેમ શ્રી માંડલેવાલાએ રિવોઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું.
ડોનેટ લાઈફે 1258 દર્દીઓનું જીવન સુધાર્યું
નિલેશભાઈ માંડલેવાલાને પદ્મશ્રી સન્માન મળ્યું તે પાછળ તેમની 20 વર્ષની સાધના અને શ્રદ્ધાપૂર્વકની મહેનત જવાબદાર છે. ડોનેટ લાઈફના નેજા હેઠળ અત્યાર સુધીમાં તેમના દ્વારા 1366 અંગો અને ટિસ્યૂના દાન મેળવવામાં આવ્યા છે જેને કારણે અંગો ગુમાવીને હતાશ થઈ ચૂકેલા અથવા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા 1258 દર્દીઓ અને તેમના પરિવારોના જીવનમાં ખુશી પરત આવી છે. આ પ્રવૃત્તિ હેઠળ અત્યાર સુધીમાં 551 કિડની, 442 આંખ, 240 લીવર, 57 હાર્ટ, 56 ફેફસાં, 09 પેન્ક્રિયાસ, 10 હાથ અને 01 નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન શક્ય બન્યું છે.

