
અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને “ભારત ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો
ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને અંગદાનના ક્ષેત્રમાં તેઓએ આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ “ભારત ગૌરવ પુરસ્કાર” પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ડૉ. સ્વામી અવશેષાનંદ જી મહારાજ અને પદ્મશ્રી માતા મંજમ્મા જોગતીના વરદ્દ હસ્તે ભારત વિકાસ સંગમ દ્વારા સેડામ, કર્ણાટક મુકામે યોજાયેલ ભારતીય સંસ્કૃતિ ઉત્સવ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો.
નિલેશભાઈના પિતાની વર્ષ ૧૯૯૭માં કિડની નિષ્ફળ થતા, વર્ષ ૨૦૦૪ થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. આ દરમિયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરિવારની તકલીફો થી માહિતગાર થયેલા. તેમના પિતાની કિડનીની બીમારી એક નવી ચેતના અને નવી દિશા નિલેશભાઈને માટે ઉઘાડી ગઈ અને એ હતી અંગદાનની.
વર્ષ ૨૦૦૫ માં સુરતથી અંગદાન-જીવનદાનની જ્યોત પ્રગટાવનાર નિલેશભાઈ માંડલેવાલા આજે અંગદાન ક્ષેત્રે ભારતભરમાં જાણીતુ નામ છે. ભારતમાં ઘણી સંસ્થાઓ ઓર્ગન ડોનેશન ક્ષેત્રે કાર્યરત છે. પણ જે રીતે નિલેશભાઈએ આ કાર્યજ્યોત પ્રજ્વલિત રાખી છે તેના પરિણામે સુરત અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મુઠ્ઠી ઊંચુ થયું છે.
નિલેશભાઈ દ્વારા વર્ષ ૨૦૦૬ માં સુરત થી કિડની દાનથી પ્રારંભાયેલુ આ અભિયાન લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તર્યુ છે. દાન કરાયેલા આ અંગો – અવયવો માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ યુ.એ.ઈ., યુક્રેન, રશિયા, સુદાન, બાંગ્લાદેશ જેવા દેશોના દર્દીઓમાં મુંબઈ તેમજ ચેન્નાઈની હોસ્પિટલોમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.
નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત થી કુલ ૧૨૮૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યા છે, જેને કારણે દેશ અને વિદેશના કુલ ૧૧૮૬ વ્યક્તિઓને નવુંજીવન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે નિલેશભાઈએ અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. જેમાં ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ગુજરાત ગરિમા” એવોર્ડનો પણ સમાવેશ થાય છે.