Site icon Revoi.in

2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે, MSME સેક્ટર માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશનને ગાંધીનગર સુધી સિમિત નહીં રાખીને રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તારી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત એવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલોપમેન્ટ અને એક્સપાન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકારે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટથી અપનાવી છે. મુખ્યમંત્રીએ VGGS-24ના ત્રીજા દિવસે આયોજીત MSME કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું કે, 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની પરંપરા વડાપ્રધાનએ શરૂ કરી ત્યારે ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. બે દાયકા પછી હવે જ્યારે અત્યાધુનિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે-સાથે રાજ્યના નાના-લઘુ ઉદ્યોગકારોને વિકસવા માટેનો સ્થાનિક મંચ-વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના ઉદ્યોગો વિકાસના રાહે સફળ બને અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે, સરકાર MSMEsની પડખે સતત ઉભી છે. MSME સેક્ટર પર ફોકસ કરવાનું વડાપ્રધાનનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ MSMEs સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત દુનિયાના મંચ ઉપર પ્રસ્થાપિત થઇ ગયું છે. સૌ ઉદ્યોગકારો, સહભાગીઓના સાથ સહકારથી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડીશન સફળ રહી છે. આવા જ ઉત્સાહથી આગામી વાઇબ્રન્ટ સુધી આપણે સૌએ પરસ્પર સહયોગથી કાર્યરત રહેવાનું છે. આપણે વાઇબ્રન્ટ છીએ અને વાઇબ્રન્ટ જ રહેવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

આ અવસરે કેન્દ્રીય એમ.એસ.એમ.ઈ. મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે એમ.એસ.એમ.ઈ.ના વિકાસ માટે લીધેલા ક્રાંતિકારી નિર્ણયો હવે સાકાર થયા છે.  આ પગલાં પરિણામલક્ષી સાબિત થયા છે. વર્ષ ૨૦૨૪ના રોડ મેપ માટે એમ.એસ.એમ.ઈ. સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એમ.એસ.એમ.ઈ.ના માધ્યમથી ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. ટ્રાન્સપોર્ટ અને ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાત ઉદ્યોગપતિઓની પ્રથમ પસંદગી છે. વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.