Site icon Revoi.in

વૈજ્ઞાનિકો દેશના ગૌરવ અને સ્વાભિમાનના સાચા શિલ્પી: નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હી, 11 મે 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ અવસરે તેમણે ભારતના વૈજ્ઞાનિકોની સખત મહેનત અને સમર્પણને બિરદાવતા તેમને ‘દેશના ગૌરવ અને સ્વાભિમાનના સાચા શિલ્પી’ ગણાવ્યા હતા. વડાપ્રધાને વર્ષ 1998માં આજના દિવસે પોખરણમાં કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણોને પણ યાદ કર્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની શુભેચ્છાઓ. અમે અમારા વૈજ્ઞાનિકોની સખત મહેનત અને સમર્પણને ગૌરવ સાથે યાદ કરીએ છીએ, જેના પરિણામે 1998માં પોખરણમાં સફળ પરીક્ષણો થયા હતા. તે ઐતિહાસિક ક્ષણ ભારતની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા અને અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક હતું.” વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે વર્ષ 1998માં પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણે વિશ્વને ભારતની અદભૂત શક્તિનો પરિચય કરાવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજી આજે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એક મજબૂત સ્તંભ બની છે. તે નવાચાર (ઇનોવેશન) ને ગતિ આપી રહી છે અને રાષ્ટ્રના વિકાસના તમામ ક્ષેત્રોમાં નવા અવસરો પેદા કરી રહી છે. સરકારનું ધ્યાન પ્રતિભાઓને સશક્ત બનાવવા અને સંશોધનને પ્રોત્સાહન આપી એવા ઉકેલો શોધવા પર છે જે રાષ્ટ્રની પ્રગતિ અને લોકોની આકાંક્ષાઓને પૂરી કરી શકે.

આ વિશેષ અવસરે વડાપ્રધાને એક શ્લોક પણ શેર કર્યો હતો, અગ્નર્મૂર્ધા દિવઃ કકુત્પતિઃ પૃથિવ્યા અયમ્। અપૌ રેતાંસિ જિન્વતિ॥ આ શ્લોકનો અર્થ સમજાવતા તેમણે લખ્યું કે, અગ્નિ દ્યુલોકની સર્વોચ્ચ શક્તિ છે અને પૃથ્વી પરની તમામ ઉર્જાનું મૂળ સ્ત્રોત છે. આ અગ્નિ-તત્ત્વ જ પદાર્થના સૂક્ષ્મ કણોમાં રહેલી અપરિમિત શક્તિને જાગૃત કરે છે અને સમગ્ર સૃષ્ટિમાં ગતિ અને ઉર્જાનો સંચાર કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 11 મે, 1998ના રોજ ભારતે ‘ઓપરેશન શક્તિ’હેઠળ પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આ ઉપરાંત, આ જ દિવસે સ્વદેશી રીતે વિકસિત ‘હંસા-3’ વિમાને પણ પ્રથમ ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક સિદ્ધિઓના સન્માનમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11 મે ને ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે ભારતની વૈજ્ઞાનિક શક્તિના ઉત્સવ તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથની હત્યા કેસમાં બિહાર અને UPથી 3 શાર્પશૂટર ઝડપાયા

Exit mobile version