Site icon Revoi.in

ગુજરાતમાં આયુર્વેદ,હોમિયોપેથીમાં બેઠકો વધી, મેડિકલ, ડેન્ટલમાં બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ

Social Share

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ પુરો થતા ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા અંતે યુજી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી માટે બીજો રાઉન્ડ આજથી શરૂ કરી દેવાયો છે. જેમાં 5મી માર્ચ સુધી ચોઈસ ફિલિંગ થશે અને છ માર્ચે સીટ એલોટમેન્ટ કરી દેવાશે. ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ શરૂ કરાયેલી કેન્દ્રિય ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ ઘણા દિવસો પહેલા પુરો થઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તબીબી વિદ્યાશાખાઓમાં અગાઉ પ્રથમ રાઉન્ડમાં મેડિકલમાં 532, ડેન્ટલમાં 713, આયુર્વેદમાં 542 અને હોમિયોપેથીમાં 1044 સહિત કુલ 2831 બેઠકો નોન રિપોર્ટેડ રહેતા ખાલી રહી હતી.ત્યારબાદ મેડિકલમાં 20, ડેન્ટલમાં એક, આયુર્વેદમાં 6 અને હોમિયોપેથીમાં 15 વિદ્યાર્થીએ પ્રવેશ રદ કરાવતા આ બેઠકો પણ ખાલી પડી છે. જ્યારે આયુર્વેદમાં સ્ટેટ ક્વોટામાં ઓલ ઈન્ડિયા ક્વોટાની 105 અને સેલ્ફ ફાઈનાન્સની ઓલ ઈન્ડિયા ક્વોટાની 26 સહિત 131 બેઠકો પરત આવી છે. આ ઉપરાંત હોમિયોપેથીમાં સ્ટેટ ક્વોટામાં ઓલ ઈન્ડિયા ક્વોટાની 90 અને સેલ્ફ ફાઈનાન્સની 22 સહિત 112 બેઠકો પરત આવી છે. આ તમામ બેઠકો પણ હવે બીજા રાઉન્ડમાં ભરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા ક્વોટાનો રાઉન્ડ પુરો થયા બાદ જ સ્ટેટ ક્વોટાનો રાઉન્ડ કરવા સૂચના આપતા સ્ટેટ ક્વોટાનો બીજો રાઉન્ડ શરૂ થઈ શક્યો ન હતો. ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ  પુરો થતા આજથી સ્ટેટ ક્વોટામાં બીજો રાઉન્ડ શરૂ કરી દેવાયો છે.જેમાં 5મી માર્ચ સુધી ઓનલાઈન ચોઈસ ફિલિંગ થશે અને 6ઠ્ઠીએ સીટ એલોટમેન્ટ જાહેર કરાશે. 7મીથી11મી સુધી વિદ્યાર્થીએ ફી ભરી અને 12મી સુધીમાં હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.