તેહરાન, 8 જૂન 2026: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષ ભડકી ઉઠતા સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) હિંસા અને ભારે તણાવના આરે આવીને ઊભું રહ્યું છે. બંને દેશો વચ્ચે વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ ત્યાં વસતા પોતાના નાગરિકો માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, ભારતીય નાગરિકો હાલ પૂરતી ઈરાનની યાત્રા સંપૂર્ણપણે ટાળે અને જે લોકો અત્યારે ત્યાં હાજર છે, તેઓ ઉપલબ્ધ સાધનો દ્વારા તાત્કાલિક ધોરણે દેશ છોડી દે. ક્ષેત્રમાં વધી રહેલા મિસાઈલ હુમલા અને એરસ્ટ્રાઈક વચ્ચે ભારતીય દૂતાવાસની આ ચેતવણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સોમવારના રોજ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. બંને દેશોએ એકબીજા પર આડેધડ હુમલાઓ કર્યા હતા, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 24 કલાકમાં બંને દેશોના અનેક શહેરોમાં બોમ્બમારો થયો છે. ખાસ કરીને વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલો છોડવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને જોખમી બની ચૂકી છે. સુરક્ષાના કારણોસર ભારતીયોએ ઈરાન જવાનું ટાળવું જોઈએ અને ત્યાં રહેતા ભારતીયોએ વહેલી તકે સુરક્ષિત સ્થળે અથવા સ્વદેશ પરત ફરી જવું હિતાવહ છે.”
તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઇઝરાયેલે રવિવારે બેરૂતના દક્ષિણ વિસ્તારોમાં ભીષણ એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાને ઇઝરાયેલ તરફ સેંકડો મિસાઈલો દાગીને ખળભળાટ મચાવી દીધો હતો. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘લાલ સમુદ્ર’ (રેડ સી) માર્ગ પર ઇઝરાયેલી જહાજોને રોકવાની અને હુમલા કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
-
ટ્રમ્પ આ મહાયુદ્ધને રોકવા માટે સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહાયુદ્ધને રોકવા માટે સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર સીધી વાતચીત કરી છે અને ઈરાન પર વળતો હુમલો ન કરવા સલાહ આપી છે. ટ્રમ્પનું માનવું છે કે જો ઇઝરાયેલ ફરી વળતો પ્રહાર કરશે, તો આખું ક્ષેત્ર ક્યારેય ન અટકનારા લાંબા યુદ્ધમાં હોમાઈ જશે. ટ્રમ્પે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “અમેરિકા અને ઈરાન પરમાણુ કરારની ખૂબ નજીક પહોંચી ગયા હતા, પરંતુ અચાનક થયેલા હુમલાઓએ સ્થિતિ બગાડી દીધી છે.” તેમણે ઈરાનને પણ શાંતિની અપીલ કરતા કહ્યું કે, “તમે મિસાઈલો દાગી દીધી, હવે ઘણું થયું. કૃપા કરીને ટેબલ પર પાછા ફરો અને વાટાઘાટો દ્વારા સમજૂતી કરો.”

