Site icon Revoi.in

વર્લ્ડકપની ફાઈનલ બાદ પીએમ મોદી સાથે મુલાકાતનો શમીએ ફોટો શેર કર્યો

Social Share

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થતા  ભારતીય ક્રિકેટરો અને લાખો  ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયાં હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. અહીં તેણે ખેલાડીઓ સાથે લાંબા સમય સુધી વાત કરી હતી અને ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પીએમ મોદી સાથે પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પીએમ મોદી તેમને ગળે લગાવીને સાંત્વના આપતા જોવા મળે છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ લખ્યું હતું કે, ‘દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. આ ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ હું તમામ ભારતીયોનો આભાર માનું છું. ડ્રેસિંગ રૂમમાં આવીને અમને પ્રોત્સાહિત કરવા બદલ અમે બધા પીએમ મોદીના આભારી છીએ. અમે ચોક્કસપણે ફરીથી પાછા આવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય પ્રદર્શન બાદ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી જતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય નોંધનીય હતા. તમે મહાન ભાવના સાથે રમ્યા છો અને રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.”

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચને નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક રાજકીય મહાનુભાવો પણ મેચ જોવા ઉમટી પડ્યાં હતા. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થતા અનેક ભારતીય ખેલાડીઓની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. આ દ્રશ્યો જોવાથી સ્ટેડિયમમાં ઉપસ્થિત લાખો દર્શકો અને ટીવી ઉપર દેખવા ક્રિકેટ પ્રેમીઓ પણ ભાવુક થઈ ગયા હતા.