Site icon Revoi.in

અજિત પવારના પગલાથી અજાણ હોવાનો શરદ પવાર દાવો રાજકીય નાટકઃ રાજ ઠાકરનો આક્ષેપ

Social Share

મુંબઈઃ એનસીપીના સિનિયર નેતા અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)થી અલગ થઈ ગયા છે. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ આ અંગે નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે. MNS ચીફ રાજ ઠાકરેએ કહ્યું, ‘શરદ પવાર કહે છે કે તેમને આ વિશે ખબર ન હતી. એવું ન થઈ શકે કે શરદ પવારને અજિત પવારની ચાલ વિશે ખબર ન હોય. આ બધું પવારનું રાજકીય નાટક છે. આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે તે ખબર નથી.

અજિત પવારના બળવા પછી મહાવિકાસ આઘાડી (MVA)માં પણ અંદરોઅંદર ઝઘડો વધી ગયો છે. પ્રશ્ન એ છે કે વિપક્ષનો નેતા કયો પક્ષ હશે, કારણ કે અત્યાર સુધી વિપક્ષના નેતા રહેલા અજિત પવાર હવે સરકારમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે વિપક્ષના નેતાની ખુરશી પર દાવો કર્યો છે અને કહ્યું છે કે જે પક્ષના ધારાસભ્યો સૌથી વધુ હશે. તેઓ વિપક્ષના નેતા પદ પર દાવો કરશે. દરમિયાન એનસીપીના સિનિયર નેતા અજીત પવાર પોતાના સમર્થકો સાથે શિંદે સરકારમાં સામેલ થયાં છે. અજીત પવાર પોતાના સમર્થકો સાથે સરકારમાં જોડાતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમથી પોતે અજાણ હોવાનો એનસીપીના વડા શરદ પવાર દાવો કરી રહ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં વધારે ઉતાર-ચડાવ જોવા મળે તેવી શકયતા છે.

(Photo-File)