Site icon Revoi.in

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

Social Share

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેના કારણે ભાજપના હર્ષ મહાજનની જીત થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની હાર થઈ હતી.

બાદમાં આ ધારાસભ્યો ભાજપના ટેકામાં નિવેદનબાજી કરતા જોવા મળ્યા હતા. આ ધારાસભ્યોના ક્રોસ વોટિંગ બાદ રાજ્યની સુખવિંદરસિંહ સુક્ખૂ સરકાર પર સંકટના વાદળ મંડરાવા લાગ્યા હતા. કોંગ્રેસની અંદર બાગી ધારાસભ્યો વિરુદ્ધ કડક પગલા ઉઠાવવાની વાત ઉઠી રહી હતી.

બીજી તરફ ભાજપે આ ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેના પર 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ પારીત થવાથી પહેલા હંગામો કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલાને વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપસિંહ પઠાનિયાએ મંગળવારે મીડિયાને કહ્યુ છે કે હંગામાના મામલામાં કેટલાક સદસ્યો પાસેથી નોટિસ મળી છે અને મેં પણ સુઓ મોટો લીધો છે. મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ છે કે રાજ્યની અંદર ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી ગેરશિસ્ત નિયમો અને બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘન હેઠળ કાર્યવાહી યોગ્ય છે અને આના સંદર્ભે તેમને નોટિસ જાહેર કરાય રહી છે. વિધાનસભાના સ્પીકરે કહ્યુ કે ધારાસભ્યો ગરિમાપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરી શકે છે. પરંતુ આસન પર કાગળ ફેંકવા સ્વીકાર્ય નથી.