Site icon Revoi.in

અમદાવાદની સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓના કરાઈ સારવાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલમાં એક વર્ષના સમયગાળામાં 17 હજાર કરતા વધારે કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 256 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

સોલા સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાના ગંભીર દર્દીના કિસ્સામાં સારવાર માટે ટ્રાએજ એરિયા કાર્યરત છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં 256થી વધુ દર્દીઓને કોવિડની સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી આઈસીયુ બેડમાં 50 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ઓક્સિજનની જરૂરિયાતવાળા 200 દર્દીઓ દાખલ છે. સોલા સિવિલમાં છેલ્લા એક વર્ષમાં 17925થી વધુ કોવિડના દર્દીઓની સારવાર સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. જ્યારે 40379થી વધુ કોવિડ દર્દીઓને ઓપીડીમાં તપાસવામાં આવ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.પ્રદિપ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાને લગતા ગંભીર કેસમાં પણ અત્યારે કોરોના ઓપીડી ખાતે ટ્રાએજ એરિયા ઉભો કરીને દર્દીઓને જરુરી સારવાર પુરી પાડવામાં આવે છે. છેલ્લા સપ્તાહમાં સોલા સિવિલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંતરિયાળ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. આમ, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે સોલા સિવિલ હોસ્પિટલ આશિર્વાદરુપ પુરવાર થઈ રહી છે.

Exit mobile version