Site icon Revoi.in

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

scandals like Epstein's and the panacea against moral decline

scandals like Epstein's and the panacea against moral decline

Social Share

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી દ્વારા તાજેતરમાં એક અંગ્રેજી સાઈટ માટે વિસ્તૃત લેખ લખવામાં આવ્યો. એ લેખનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

જેફરી એપસ્ટિન દસ્તાવેજોના તાજેતરના ઘટસ્ફોટે વિશ્વને ફરી એકવાર હચમચાવી દીધું છે. આ ઘટસ્ફોટ સત્તા, સંપત્તિ અને અનિયંત્રિત વાસનાઓ એકબીજા સાથે મળે ત્યારે શોષણ, અત્યાચાર અને નૈતિક ભ્રષ્ટ-આચાર કેટલો ઊંડો હોઈ શકે છે તેની ગંભીર વાસ્તવિકતા દર્શાવે છે.

‘ન્યૂયોર્ક પોસ્ટ’નો એક અહેવાલ એપસ્ટિન પર આરોપ લગાવનાર એક કિશોરીની ડાયરીની વિગતો આપે છે. તેણીનો દાવો છે કે તેનો ઉપયોગ એપસ્ટિનના બાળકને જન્મ આપવા માટે ‘હ્યુમન ઇન્ક્યુબેટર’ (માનવ સેવન યંત્ર) તરીકે કરવામાં આવ્યો હતો, અને જન્મની થોડી જ ક્ષણોમાં તેની દીકરીને તેની પાસેથી ઝૂંટવી લેવામાં આવી હતી. પીડિતાએ લખ્યું છે કે, “હું અંદરથી સાવ તૂટી ગઈ છું,” અને “હવે હું એ વ્યક્તિ નથી રહી જે મને આ ‘હ્યુમન ઇન્ક્યુબેટર’ બનાવવામાં આવી તે પહેલાં હતી.” આ સાથે સારાહ ફર્ગ્યુસન (ડચેસ ઓફ યોર્ક) નો એક ઈમેઈલ પણ જાહેર થયો છે જેમાં તેમણે એપ્સટીનને “બેબી બોય” માટે અભિનંદન આપ્યા હતા. જોકે એપ્સટીન દ્વારા કોઈ સંતાન હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દાવા જાતીય તસ્કરી, બળજબરી અને લાચાર યુવતીઓ તથા છોકરીઓને ઉપભોગની વસ્તુ માનવાની ગંભીર તસવીર રજૂ કરે છે.

આ પણ વાંચોઃ એપસ્ટિન સેક્સ સ્કેન્ડલનો મોટો ખુલાસો: બિલ ક્લિન્ટન અને દિગ્ગજોની તસવીરો જાહેર

એપસ્ટિનના નેટવર્કમાં બિલ ગેટ્સ અને નોઆમ ચોમ્સ્કી જેવી પશ્ચિમી જગતની દિગ્ગજ હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. બિલ ગેટ્સની પત્ની મેલિન્ડાએ પણ આ જ કારણોસર છૂટાછેડા લીધા હતા, જોકે તેમના વિરુદ્ધ કોઈ ગુનાઈત સંડોવણી સાબિત થઈ નથી. આવા કૌભાંડો એક ભયાનક સત્ય ઉજાગર કરે છે—જ્યારે વ્યક્તિ અન્ય લોકોને માત્ર આનંદ કે પ્રયોગના સાધન તરીકે જુએ છે અને માનવ શરીરને માત્ર પ્રયોગલક્ષી સંસાધન માને છે, ત્યારે સામાજિક સુરક્ષા કવચ નિષ્ફળ જાય છે.

એપસ્ટિન કેસમાં ‘શ્રેષ્ઠ’ સંતતિના સંવર્ધન અને કિશોરીઓને “વસ્તુ” ગણવાના કૃત્યો માનવ ગરિમા પ્રત્યેની ક્રૂર ઉદાસીનતા દર્શાવે છે. તેનાથી વિપરીત, ભારતના પ્રાચીન જ્ઞાનમાં રહેલી સનાતન ધર્મની નૈતિક વ્યવસ્થા એક મજબૂત માળખું પૂરું પાડે છે. તે દરેક જીવન પ્રત્યે આદર, લોભનો ત્યાગ અને દરેક જીવમાં દિવ્યતાના દર્શન દ્વારા આવા અત્યાચારોને અટકાવવામાં મદદ કરી શકે છે.

સનાતન ધર્મના હાર્દમાં ‘ઈશાવાસ્ય ઉપનિષદ’નો પ્રથમ શ્લોક છે: “ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्, तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्॥” અર્થાત્ આ પરિવર્તનશીલ બ્રહ્માંડમાં જે કંઈ છે તે ઈશ્વરથી વ્યાપ્ત છે. ત્યાગપૂર્વક તેનું ભોગવટુ કરો, કોઈના ધન (કે સંપત્તિ) નો લોભ કરશો નહીં. આ મંત્ર સ્પષ્ટ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ પરમાત્માથી વ્યાપ્ત છે, તેથી દરેક કણ અને દરેક જીવ પવિત્ર અને પરસ્પર જોડાયેલા છે.

સ્વામી પરમાત્માનંદજી આને જીવન અને નૈતિકતાના સંપૂર્ણ દર્શન તરીકે સમજાવે છે: સર્વવ્યાપી તત્વ (ઈશ) સૃષ્ટિને સુમેળમાં ગોઠવે છે, જ્યાં કોઈ પણ ભાગ બીજા પર માલિકીનો દાવો કરી શકતો નથી. લોભ, શોષણ અને નુકસાન આ એકતાને ભૂલી જવાથી ઉદભવે છે. માલિકીભાવ અને લાલચનો ત્યાગ કરીને વ્યક્તિ બંધન વિના જીવનનો આનંદ માણી શકે છે, જે ઇન્દ્રિયોના અતિરેકને બદલે બ્રહ્માંડના ક્રમ સાથે જોડાણ કરીને સુખ આપે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સૈન્યના સધર્ન કમાન્ડનો સરહદની સુરક્ષા અને સેવાનો સંકલ્પ

આ દ્રષ્ટિકોણ એપસ્ટિન જેવા ગુનેગારો પાછળની માનસિકતાનો સીધો પ્રતિકાર કરે છે. જો દરેક વ્યક્તિને, ખાસ કરીને નિર્બળ લોકોને, દિવ્યતાના અવતાર તરીકે જોવામાં આવે, તો શોષણ અસંભવ બની જાય છે. કિશોરી એ ‘હ્યુમન ઇન્ક્યુબેટર’ નથી પણ જીવનનું પવિત્ર પાત્ર છે, જે રક્ષણની હકદાર છે. બાળકો એ ‘શ્રેષ્ઠ જનીન વંશ’ માટેની વસ્તુઓ નથી, પરંતુ વૈશ્વિક આત્માનું વિસ્તરણ છે, જેમનો આદર સાથે ઉછેર થવો જોઈએ.

સનાતન નૈતિકતા આને મુખ્ય યમ અને નિયમો દ્વારા વિસ્તારે છે: અહિંસા, અસ્તેય (ચોરી ન કરવી) અને અપરિગ્રહ (સંગ્રહ ન કરવો). અહિંસા માત્ર શારીરિક ઈજા પૂરતી સીમિત નથી પણ માનસિક અને જાતીય શોષણ સુધી વિસ્તરેલી છે. અપરિગ્રહ સત્તા કે શરીરના સંગ્રહને નિરુત્સાહ કરે છે, જ્યારે અસ્તેય બીજાની સ્વાયત્તતા કે શરીર પર કબજો મેળવવાની મનાઈ કરે છે. સનાતન ધર્મ ‘વસુધૈવ કુટુંબકમ્‘ પર ભાર મૂકે છે, જે પરસ્પર જોડાણને મજબૂત કરે છે અને અત્યાચારને પ્રોત્સાહન આપતા ભેદભાવોને નકારે છે.

આધુનિક પશ્ચિમી ભૌતિકવાદી સંસ્કૃતિ ઘણીવાર અબ્રાહમિક પરંપરાઓથી પ્રભાવિત હોય છે જે સૃષ્ટિ પર માનવીય આધિપત્ય પર ભાર મૂકે છે, જે ક્યારેક સામૂહિક સંવાદિતા કરતાં વ્યક્તિગત અધિકારોને વધુ પ્રાથમિકતા આપે છે. એપ્સટીનની દુનિયા, જે અતિશય સંપત્તિ અને જવાબદારીના આધ્યાત્મિક અભાવથી ગ્રસિત હતી, તે આ જોખમનું ઉદાહરણ છે.

આ પણ વાંચોઃ પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

સનાતન જીવનશૈલી કર્મ, ધર્મ અને મોક્ષને એકીકૃત કરે છે, જે વ્યક્તિને યાદ અપાવે છે કે કરેલા નુકસાનનું પરિણામ અનેકગણું થઈને પાછું આવે છે. આ મૂલ્યોમાં રચાયેલો સમાજ માત્ર કાયદાવાદી અભિગમને બદલે સામુદાયિક તર્ક અને નૈતિક શિક્ષણને પ્રાથમિકતા આપશે.

અલબત્ત, કોઈપણ વ્યવસ્થા માનવીય નિષ્ફળતાથી મુક્ત નથી, પરંતુ સનાતન ધર્મમાં આંતરિક પરિવર્તન અને સૌમાં દિવ્યતા જોવાનો આગ્રહ મજબૂત ઉપાય પૂરા પાડે છે. જ્યારે એપસ્ટિન જેવા વૈશ્વિક કૌભાંડો ચાલુ રહે છે, ત્યારે સનાતન સિદ્ધાંતો એક કાયમી ઉપાય તરીકે ઉભરી આવે છે. આ એક એવી મૂલ્ય પ્રણાલી જે દરેક કણને પવિત્ર માને છે, ત્યાં શોષણ માટે કોઈ તક મળતી નથી. (મૂળ લેખકની મંજૂરી બાદ CNNnews18 માંથી સાભાર)

આ પણ વાંચોઃ અનન્યાનો આત્મવિશ્વાસ: એક નારીની આર્થિક સુરક્ષાની કથા

Exit mobile version