Site icon Revoi.in

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો હતો. જનતા અને સૈન્ય વચ્ચેના સંઘર્ષમાં ચાર નાગરિકો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકામાં ખોરાક, બળતણ અને દવાઓ સહિત આવશ્યક ચીજોની આયાત કરવા માટે ડોલરની તંગીથી ઝઝુમી રહ્યું છે. રાષ્ટ્રની 22 મિલિયન વસ્તી જીવનાવશ્યક વસ્તુની તીવ્ર અછત અનુભવી રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવી પરિસ્થિતિમાં પણ રાજીનામુ આપવાનો ઇનકાર કર્યો છે. શ્રીલંકાએ પેટ્રોલ પંપની સુરક્ષા માટે સશસ્ત્ર પોલીસ અને સૈનિકો તૈનાત કર્યાં છે. રેશનવાળા પેટ્રોલ અને ડીઝલના વિતરણને લઈને ઘણી વાર અથડામણ ફાટી નીકળે છે. ગરીબ રાષ્ટ્રમાં લોકોની અવરજવર ઘટાડી ઘટતા ઇંધણના સ્ટોકને બચાવવા માટે સરકારે રાજ્યની સંસ્થાઓ અને શાળાઓને બે સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. શ્રીલંકા રેકોર્ડ ઉંચો ફુગાવો અને લાંબા સમય સુધી પાવર બ્લેકઆઉટનો પણ સામનો કરી રહ્યો છે. આ બધાએ સરકારના વિરોધમાં ફાળો આપ્યો છે. શ્રીલંકાએ એપ્રિલમાં તેના 51 બિલિયનનું વિદેશી દેવું ડિફોલ્ટ કર્યું હતું અને તે બેલઆઉટ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાતચીત કરી રહ્યું છે.