Site icon Revoi.in

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ ખરીદ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાતમાં 24 કલાક સતત વીજળી પૂરી પાડવાની વધતી માંગને પહોંચી વળવા જી.યુ.વી.એન.એલ. (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.) દ્વારા ટેન્ડર પ્રકિયાથી વીજ ખરીદી કરાર કરવામાં આવ્યા હતા.
ભારત સરકારની એજન્સી મે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં UMPP અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ તરીકે પસંદગી પામેલ બિડર મે. કોસ્ટલ ગુજરાત પાવર લી. (ટાટા પાવર) સાથે GUVNL દ્વારા વીજ ખરીદ કરાર કરવામાં આવેલ . જે ગુજરાત વીજ નિયમન આયોગ અને કેન્દ્રીય વિજ નિયમન આયોગે મંજૂર કરેલા છે.

તેમણે વધુમાં હતું કે, વીજ ખરીદી મેરીટ ઓર્ડર પ્રોટોકલ પ્રમાણે કરવામાં આવે છે, જેમાં ઓછું બળતણ ખર્ચ ધરાવતા પાવર સ્ટેશનથી પહેલા અને આ ક્રમમાં માંગ પુરી થાય ત્યાં સુધી ખરીદી કરવામાં આવે છે. આમ, રાજ્ય સરકાર વીજ ઉત્પાદકોની માલિકીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ વીજળીના જનરેશનની ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત ખરીદી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પાવર સ્ટેશનો તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહે તે માટે સમયાંતરે રીનોવેશન અને મોડર્નાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.જે અંતર્ગત પ્રિવેન્ટીવ ટેકનીકલ મેન્ટેનન્સ, ઓછી વીજ માંગ અને મેરીટ ઓર્ડર અંતર્ગત જો પ્રાથમિકતા ન મળતી હોય તો તેટલા હંગામી સમય દરમ્યાન વીજ એકમોમાંથી માત્ર જરૂર પૂરતું જ વીજ ઉત્પાદન મેળવવામાં આવે છે. આમ, સામાન્ય સંજોગોમાં રાજ્ય સરકારના બધા વીજ મથકો પૂરી કેપેસીટી સાથે કાર્યરત છે.

તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-2021 પછીથી દેશમાં તેમજ સમગ્ર વિશ્વભરમાં કોલસાની અછત તેમજ તેના ભાવમાં થયેલા અસામાન્ય વધારાના કારણે વીજળીની કટોકટી જેવી પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારબાદ રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ગેસ પુરવઠાની પણ તંગી તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના ભાવમાં વધારો પણ થયો છે. જેના કારણે ગેસ આધારિત વીજળી ઉત્પાદનની કોસ્ટ આશરે 28 રૂપિયા પ્રતિ યુનિટ આવતી હતી. ગેસ આધારિત પાવર સ્ટેશનો ધુવારણ, હજીરા, GPPC-પીપાવાવ અને GIPCL-વડોદરા ખાતેથી વિજ ઉત્પાદન મેળવવામાં આવતું ન હતું. વિકલ્પે મેરીટ ઓર્ડર આધારિત અન્ય સસ્તા સ્ત્રોતોમાંથી રાજ્યના ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. આવી કટોકટીના સમયે રાજસ્થાન, પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં લોડ શેડીંગ કરવામાં આવી હતી. આવા તમામ પરિબળો ઉભા થયા હોવા છતાં પણ ગુજરાતની પ્રજાને રાજ્ય સરકાર લોડ શેડીંગ આપ્યા વગર અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં સક્ષમ રહી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે વણાંકબોરમાં 800 મેગા વોટનું યુનિટ નં. 8, ઉકાઇમાં 500 મેગા વોટનું યુનિટ નં. 6 અને સિકકામાં 250 મેગા વોટના બે યુનિટો મળીને કુલ 500 મેગા વોટ મળી એકદંરે 1900 મેગાવેટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. મંત્રીએ રાજ્ય સરકાર પર થયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, સરકાર કુલ વીજળી ખરીદીની 14 થી 15 ટકા વીજળી જ ખાનગી કંપનીઓ પાસેથી ખરીદે છે. આ ઉપરાંત ગ્રાહકોને અવિરત અને સાતત્યપુર્ણ વિજ પુરવઠો વ્યાજબી ભાવે પૂરો પાડવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે.