Site icon Revoi.in

ધોરણ-9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ થશેઃ મુખ્ય વિષયો ભણાવવાને પ્રાથમિકતા આપશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અનુમતી આપ્યા બાદ હવે સોમવારથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. જેને લઈને સંચાલકોએ અત્યારથી જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટેની પદ્ધતિઓ નક્કી કરી છે. મોટાભાગના સંચાલકોએ વર્ગ ખંડની વ્યવસ્થા મુજબ પદ્ધતિઓ નક્કી કરી છે. જેમાં ઓડ ઈવન, રોલ નંબર પ્રમાણે, રિસેસ સમય પહેલાં અને પછી તેમજ બે વર્ગની શાળામાં એક-એક વર્ગને સાથે બોલાવવા સહિતની વિવિધ પદ્ધતિ નક્કી કરી છે. શાળા 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની હોવાથી વિદ્યાર્થીઓ સપ્તાહમાં 3 દિવસ જ અભ્યાસ કરી શકશે. જેથી શાળા મુખ્ય વિષયો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સોમવારથી ધોરણ-9થી 11ની શાળામાં 50 ટકા ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત બાદ સ્કૂલ સંચાલકો વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે. આ માટે સંચાલકોએ પોતાની શાળાના ઉપલબ્ધ વર્ગ ખંડોના આધારે વિવિધ ફોર્મ્યુલા નક્કી કરી રાખી છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે તે માટેની પણ પુરતી તકેદારી સંચાલકો દ્વારા રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા પરિસરમાં હાથ ધોવાની વ્યવસ્થા અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાળાઓનું યોગ્ય સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે અને જે શાળાનું બાકી છે તે પણ રવિવાર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે. શાળા શરૂ થયા બાદ પ્રત્યક્ષ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને ત્રણ જ દિવસ બોલાવી શકાય તેમ હોવાથી શાળા મુખ્ય વિષય પર ધ્યાન કેન્દ્રીત કરશે. જોકે, અન્ય વિષયોને પણ નુકસાન ન થાય તે રીતે શિક્ષણની વ્યવસ્થા ગોઠવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, શાળા દ્વારા સોમવારથી શાળા શરૂ કરવા માટેની પુરતી તૈયારીઓ કરી લીધી છે.