Site icon Revoi.in

તાપીમાં 18 વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ફરી કાર્યરત કરાઈ : ખેડૂતોને મળશે ફાયદો

Social Share

અમદાવાદઃ તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી સુરગ ફેક્ટરીને ફરીથી શરુ કરવામાં આવી છે. આ ફેક્ટરી પુનઃ કાર્યરત થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. તાપીના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ તાપી જિલ્લાના ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરીના બોઇલરને પ્રજ્વલિત કરી સુગર ફેક્ટરીની શુભ શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી બંધ સૂગર ફેક્ટરી, તાપી જિલ્લાના ખેડૂતો માટે વિકટ પ્રશ્ન હતો. જે અંગે મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી, આ સમસ્યાને ઓળખી ખેડૂતોના હિત માટે સરકારશ્રી દ્વારા બજેટમાં ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દશેરાના શુભ દિવસે બોઇલર પ્રજ્વલિત કરી સૂગર ફેકટરીની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 25 હજાર એકર જેટલી શેરડીનું વાવેતર સૂગર ફેક્ટરીમાં નોધાંયુ છે. હવે તાપી જિલ્લાના ખેડૂતોએ અન્ય જગ્યાએ જઇ શેરડી વેચવાની જરૂર નહીં પડે, અને તેમને ઘરબેઠા પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે.

સૂગરના પ્રમુખ માનસિંહ પટેલે સુગર ફેક્ટરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુગર ફેક્ટરીને શરુ કરવા માટે સરકાર દ્વારા ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હયાત ફેક્ટરીમાં ૨૨ હજાર એકર શેરડી નોંધાયેલી છે. જેમાંથી 6 લાખ ટન શેરડી મળશે. આસપાસની સૂગર ફેક્ટરીઓના સાથ સહકારથી લગભગ ચાર લાખ ટન જેટલી શેરડીનું ક્રશીંગ અહી થશે. જેનાથી આસપાસના વિસ્તારના ખેડૂતોને આ સૂગર ફેક્ટરીનો ચોક્કસ ફાયદો થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી નવેમ્બર માસમા આ ફેક્ટરીનો વિધિવત શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે થશે. આ સુગર ફેક્ટરી આવનાર સમયમાં સફળતાપૂર્વક કાર્યરત રહે તેવા અમારા સૌ સભાસદોના, અને તમામ ચેરમેનોના પ્રયાસ રહેશે.