નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: દેશના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ (જાયદ) પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉનાળુ પાકોનું કુલ ક્ષેત્રફળ 64 લાખ હેક્ટરથી વધુ નોંધાયું છે.
આ સીઝનમાં ખેડૂતોએ ડાંગર અને કઠોળના વાવેતર પર વધુ ભાર મૂક્યો છે, જે ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. દેશમાં 30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની વાવણી કરવામાં આવી છે. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત ગણાતા કઠોળનું વાવેતર 11 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું છે.
કૃષિ નિષ્ણાતોના મતે, આ વખતે સિંચાઈની સારી સુવિધા અને અનુકૂળ હવામાનને કારણે ખેડૂતો ઉનાળુ પાક તરફ વળ્યા છે. ખાસ કરીને કઠોળના વાવેતરમાં થયેલો વધારો આગામી સમયમાં બજારમાં દાળના ભાવને સ્થિર રાખવામાં અને ભારતને આ ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનાવવામાં મદદરૂપ થશે. “ઉનાળુ પાકોના વિસ્તારમાં થયેલો આ વધારો ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરશે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપશે.” તેમ કૃષિ મંત્રાલયએ જણાવ્યું હતું.
કૃષિ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પ્રોત્સાહક પગલાં અને ખેડૂતોને સમયસર બિયારણ તેમજ ખાતરની ઉપલબ્ધતાને કારણે આ સફળતા મળી છે. હવે ખેડૂતો પાકની લણણીની તૈયારી કરી રહ્યા છે, જેનાથી બજારમાં નવા અનાજની આવક શરૂ થશે.

