Site icon Revoi.in

કોકરોચ જનતા પાર્ટી વિવાદ પર જલ્દી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

Social Share

નવી દિલ્હી, 25 મે 2026: સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ચકચારી ‘કોકરોચ જનતા પાર્ટી’ વિવાદ પર સોમવારે મહત્વની સુનાવણી થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ મામલે દાખલ કરાયેલી જનહિત અરજી પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સીજેઆઈએ અરજીકર્તા વકીલને ટકોર કરતા કહ્યું કે, તેઓ આ મુદ્દાને આટલી ભાવનાત્મક (ઈમોશનલ) રીતે ન લે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈ તાત્કાલિક ઈમરજન્સી નથી અને કોર્ટ પોતાના નિયમ અને યોગ્ય સમયે જ આની સુનાવણી કરશે. અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ એન.કે. ગોસ્વામીએ સીએમઆઈની ‘વંદા’ વાળી મૌખિક ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ મામલે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં, ન્યાયતંત્રને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર તથ્યોને તોડી-મરોડીને અને દૂષિત હેતુથી રજૂ કરવામાં આવી રહ્યા છે. વકીલની આ દલીલ સાંભળ્યા બાદ સીજેઆઈ સૂર્યકાંતે શાંતિપૂર્વક કહ્યું, “આને આટલી ભાવનાત્મક રીતે ન લો.” કોર્ટે વહેલી સુનાવણીની માંગને ફગાવી દીધી હતી.

અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. અદાલતી કાર્યવાહી દરમિયાન જજ અને વકીલો વચ્ચે થતી મૌખિક વાતચીતનો ઉપયોગ વ્યાપારી કે સોશિયલ મીડિયાના ફાયદા માટે ન થવો જોઈએ. દેશમાં નકલી વકીલોની ડિગ્રીના કેસની સીબીઆઈ તપાસ થાય. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણી બાદ ઓનલાઈન શરૂ થયેલા વ્યંગ્યાત્મક અભિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ પાછળની પ્રવૃત્તિઓની પણ સીબીઆઈ તપાસ કરવામાં આવે.

‘કોકરોચ જનતા પાર્ટી’ એ એક ડિજિટલ અને વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કેમ્પેન

‘કોકરોચ જનતા પાર્ટી’ એ એક ડિજિટલ અને વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કેમ્પેન છે. સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન સીએજેઆઈએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે, ઓનલાઈન એક્ટિવિઝમની આડમાં ન્યાયિક વ્યવસ્થા પર હુમલો કરનારા બેરોજગાર યુવાનો ‘કોકરોચ’ (વંદા) જેવા છે. આ ટિપ્પણી પર વિવાદ વધતા સીએજેઆઈએ પાછળથી સ્પષ્ટ કર્યું હતું કે તેમનો ઈશારો કાનૂની ક્ષેત્રમાં નકલી ડિગ્રી ધરાવતા લોકો તરફ હતો, સામાન્ય યુવાનો તરફ નહીં.

આ ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે હેન્ડલ શરૂ કરાયા, જેણે થોડા જ દિવસોમાં લાખો ફોલોઅર્સ મેળવી લીધા હતા. જોકે, બાદમાં આ તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ડિજિટલ મૂવમેન્ટના સ્થાપક અભિજીત દિપકેએ આક્ષેપ કર્યો હતો કે તેમની વેબસાઇટ અને એકાઉન્ટ્સને હેક અથવા ડિલીટ કરીને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

Exit mobile version