Site icon Revoi.in

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

Social Share

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે.

ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માર્કેટ બંધ કરવા દબાણ ઊભું ન કરાય તેની ખાતરી માગી છે. તેમજ કહ્યું હતું કે, કોરોનાના કારણે બે મહિના કાપડ માર્કેટ બંધ રહ્યું હતું. જેની અસરમાંથી હજુ સુધી વેપારીઓ બહાર આવી શક્યા નથી. હવે તહેવારો (festival) નજીક હોય ધીમે ધીમે વેપારની ગાડી પાટે ચઢી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારીગરો પણ વતનથી પરત આવવા માંડ્યા છે. તેવામાં વેકસિનેશન ઝડપી બનાવવાના બદલે તંત્ર દ્વારા મોટાભાગે સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. લાખો કારીગરોને હજુ સુધી વેક્સિનનો (vaccine) એક પણ ડોઝ મળ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 29 માંથી એક જ વેકસિન સેન્ટર ચાલુ છે. તેથી રોજ બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઇન લાગે છે. તેમ જ તમામ કારીગરોને વેકસિન મળી રહેતી નથી. જેથી સંક્રમણ ફેલાય અને માર્કેટ બંધ થાય તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે. તેથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખી ઝડપથી વેક્સિનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવી વેક્સીનેશન સેન્ટર કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે.