Site icon Revoi.in

ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ટેસ્ટિંગ, પ્રથમ વિમાન લેન્ડ થયુંઃ જુઓ વીડિયો

Testing of Dholera International Airport, first plane lands

Testing of Dholera International Airport, first plane lands

Social Share

ધોલેરા, 5 જૂન 2026: ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તૈયાર થઈ રહ્યું છે અને ગઈકાલે ગુરુવારે તેનું ટેસ્ટિંગ થયું હતું જે દરમિયાન પ્રથમ વિમાન લેન્ડ થયું હતું. ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે પ્રથમ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ થયું છે. આ સાથે ધોલેરાના વિકાસમાં એક નવો સીમાચિહ્નરૂપ અધ્યાય ઉમેરાયો છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાયલ અંતર્ગત VT-CNS એરક્રાફ્ટનું લેન્ડિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેણે એરપોર્ટના આગામી તબક્કાના વિકાસ માટેનો માર્ગ મોકળો કર્યો છે.

એરક્રાફ્ટના સુરક્ષિત લેન્ડિંગ બાદ, એરપોર્ટ સત્તાધિકારીઓ દ્વારા તેને પરંપરાગત રીતે ‘વોટર કેનન સેલ્યુટ’ (Water Cannon Salute) આપવામાં આવી હતી. બે ફાયર ફાઇટરો (ટેન્ડર્સ) દ્વારા પાણીની ભવ્ય કમાન (વોટર આર્ચ) બનાવીને એરક્રાફ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં શરૂ થનારા આ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સની શરૂઆતનું પ્રતીક છે.

ગુજરાતનું નવું એવિએશન અને લોજિસ્ટિક્સ હબ બનશે

આ સફળ ટ્રાયલને ધોલેરા એરપોર્ટને કાર્યરત કરવા તરફના એક મોટા કદમ તરીકે જોવામાં આવી રહી છે. આ એરપોર્ટ આગામી સમયમાં ગુજરાતના મુખ્ય એવિએશન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, આ એરપોર્ટ ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે, મોટા પાયે રોકાણો આકર્ષિત કરશે, વેપાર અને પ્રવાસનને વેગ આપશે તેમજ ધોલેરા એસઆઈઆર (SIR) અને તેની આસપાસના વિસ્તારોમાં રોજગારીની પુષ્કળ તકો ઊભી કરશે.

આ ઉપરાંત, આ નવું એરપોર્ટ અમદાવાદ સહિતના હાલના એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ કરશે અને રાજ્યની સ્થાનિક (ડોમેસ્ટિક) તેમજ આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે. સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આ સફળ લેન્ડિંગ અને ત્યારબાદના ટેક-ઓફને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવીને આવકારી છે અને તેને ધોલેરાના લાંબાગાળાના વિકાસના વિઝન માટે મોટો વેગ ગણાવ્યો છે.

જુઓ વીડિયોઃ

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને ક્ષમતા

પ્રોજેક્ટની વિગતો અનુસાર, ધોલેરા ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટને 3.2 કિલોમીટર લાંબા રનવે અને એકસાથે 12 એરક્રાફ્ટ પાર્ક કરી શકાય તેવા વિશાળ પાર્કિંગ સ્ટેન્ડ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.

આ એરપોર્ટની અન્ય ખાસિયતો નીચે મુજબ છે:

10,700 સ્ક્વેર મીટરનું વિશાળ એર કાર્ગો ટર્મિનલ.

જેમાં 2,450 સ્ક્વેર મીટરનો આંતરરાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગ એરિયા સામેલ છે.

8,800 સ્ક્વેર મીટરનો પેવ્ડ એરિયા.

4,260 સ્ક્વેર મીટરનો એરસાઇડ કાર્ગો રેમ્પ.

ભવિષ્યમાં વધનારા કાર્ગો ટ્રાફિક અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓને સુચારુ રાખવા માટે અહીં આયાત (ઇમ્પોર્ટ) અને નિકાસ (એક્સપોર્ટ) કામગીરી માટે અલગ-અલગ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

Exit mobile version