Site icon Revoi.in

20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ એકસાથે, મુંબઈ મહાપાલિકામાં ઉદ્ધવ-રાજનું ગઠબંધન

Social Share

મુંબઈ, 24 ડિસેમ્બર 2025: Thackeray Brothers મહારાષ્ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ઐતિહાસિક ક્ષણ આખરે આવી ગઈ છે. 20 વર્ષના લાંબા ગાળા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જૂના મતભેદો ભૂલીને હાથ મિલાવ્યા છે. શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે મુંબઈ મહાનગરપાલિકા સહિતની રાજ્યની 10 મહાનગરપાલિકાઓની ચૂંટણી એકસાથે લડશે. શિવાજી પાર્ક ખાતે બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ બંને ભાઈઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જો કોઈ મહારાષ્ટ્ર તરફ વાંકી નજર નાખશે, તો અમે તેની રાજકીય કારર્કિદી ખતમ કરી દઈશું. ભાજપે ‘કટેગે તો બટેગે’નો ખોટો પ્રચાર કર્યો હતો, પરંતુ અમારો સંદેશ સ્પષ્ટ છે કે જો મરાઠી માણસ હવે ચૂકશે, તો તે ખતમ થઈ જશે. મરાઠી માણસ કોઈના માર્ગમાં આવતો નથી, પણ જો કોઈ તેના માર્ગમાં આવશે તો તેને છોડશે નહીં.”

મહાવિકાસ આઘાડી (MVA) ના અસ્તિત્વ પર સવાલ પૂછતા ઉદ્ધવે કટાક્ષમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસે તો પોતાનું વલણ સ્પષ્ટ કરી જ દીધું છે. હવે મારે શું કહેવું કે આઘાડી તૂટી ગઈ છે? બધા પક્ષો બહાર થઈ ગયા છે, છતાં તમારે કહેવું હોય તો કહી શકો કે આઘાડી અકબંધ છે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હવે ઠાકરે બંધુઓનું નવું જોડાણ મહારાષ્ટ્રમાં ત્રીજું અને સૌથી શક્તિશાળી કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ભાવુક થઈને કહ્યું કે, “કોઈપણ પક્ષ કરતા મહારાષ્ટ્ર મોટું છે. મહારાષ્ટ્ર જેની આતુરતાથી રાહ જોતું હતું તે શિવસેના-મનસેનું ગઠબંધન આખરે થઈ ગયું છે.” બેઠકોની વહેંચણી અંગે તેમણે કહ્યું કે યોગ્ય સમયે આંકડા જાહેર કરવામાં આવશે.
શિવસેનાના નેતા સંજય રાઉતે આ ક્ષણને મહારાષ્ટ્ર અને મરાઠી જનતા માટે ‘ખુશીની ક્ષણ’ ગણાવી હતી. મનસે નેતા યશવંત કિલ્લેદારે જણાવ્યું હતું કે, મુંબઈમાં ચાલી રહેલી લૂંટ રોકવા અને ભાજપને સત્તા પરથી દૂર રાખવા માટે ઠાકરે પરિવારનું એક થવું અનિવાર્ય હતું. મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓમાં આ જોડાણ સીધી અસર કરશે.

આ પણ વાંચોઃ ઈસરોના ‘બાહુબલી’ રોકેટ LVM-3 એ યુએસ સેટેલાઇટ બ્લુબર્ડ-બ્લોક-2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું

Exit mobile version