Site icon Revoi.in

અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલા એકવેરિયમમાં 188 પ્રકારની 12000 માછલીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે

Social Share

અમદાવાદ : શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પ્રથમ સૌથી મોટું  ફિશ એકવેરિયમ તૈયાર કરાયું છે. અહીં દુનિયા ભરની માછલીઓ રાખવામાં આવી છે. રથયાત્રા બાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને મોદીના હસ્તે એકવેરિયમનું લોકાર્પણ કરાશે હાલ  સાયન્સ સિટીમાં એક્વેરિયમને આખરી ઓપ આપવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એકવેરિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશની 188 પ્રકારની 12 હજારથી વધુ માછલીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. આ એકવેરિયમમાં જતા જ માછલીઓની એક અનોખી દુનિયામાં પહોંચી ગયા હોવ તેવો મુલાકાતીઓને અનુભવ થશે. અહીં એકવેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે.

જેમાં પહોંચતા જ  પાણીની જીવ સૃષ્ટિમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ પણ થશે. અહીં દેશ વિદેશની રાખવામાં આવેલી માછલીઓની વાત કરવામાં આવે તો સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પોઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મુન જેલીફિશ, કોમન કટલ ફિશ, સેન્ડબાર્ક સાર્ક, સેલ્ફીન ટેંગ, કન્ચીફ્ટ ટેંગ, પાઉડર બ્લ્યુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્ક જેવી માછલીઓનો નજારો જોવા મળશે. છેલ્લા એક વર્ષ અગાઉથી આ એકવેરિયમ બનાવવાની કામગીરી ચાલતી હતી.

થોડા દિવસો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ આ એકવેરિયમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. અંદાજે 40 લાખ લીટર પાણીથી બનેલા આ એકવેરિયમ પાછળ અંદાજે 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રથયાત્રા બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગરમાં ફાઈવ સ્ટાર હોટલ, રેલવે સ્ટેશન અને સાયન્સ સિટીમાં બનેલા આ એકવેરિયમ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેને લઈ સાયન્સ સિટીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે આ એકવેરિયમમાં દરિયાના પાણીમાં જોવા મળતી માછલીઓ અને સાદા પાણીમાં જોવા મળતી માછલીઓ અલગ અલગ એકવેરિયમમાં રાખવામાં આવી છે. અઠવાડીયા બેથી ત્રણ વાર એકવેરિયમની સફાઈ કરવામાં આવે છે.