Site icon Revoi.in

વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ભય ભાજપને સતાવી રહ્યો છેઃ ગહેલોત

Social Share

અમદાવાદઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની નિયમિત મુલાકાતોને હારની સંભાવના ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને તેમના પર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું, ” યુપીની ચૂંટણી જીત્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ નિયમિત ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. આ ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાની શકયતા છે, જેથી બંને નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત સહિત તમામ રાજ્યોની યાત્રા ઉપર નીકળ્યાં છે. દરેક ભારતીય જાણે છે કે તેઓ ક્યાં મુદ્દાને લઈને નિકળ્યાં છે. રાહુલ ગાંધી હાલ તેમની ભારત જોડો યાત્રાને વધારે પ્રાથમિકતા આપી રહ્યાં છે. જેથી તેઓ ગુજરાતમાં પ્રચાર કરવા વધારે આવે તેવી શકયતાઓ નહીંવત છે.

ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારમાં વ્યસ્ત ગેહલોતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધતા કહ્યું કે, તેમની વિશ્વસનીયતા ઘટી છે. તેમણે કહ્યું, “કોઈએ કેજરીવાલને પૂછવું જોઈએ કે તેમણે હિમાચલમાં અચાનક પ્રચાર કરવાનું કેમ અટકાવ્યું? તેઓએ ત્યાં માત્ર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર તેજ બન્યો છે અને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ધામા નાખીને પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને કોંગ્રેસે ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં યુવા ઉમેદવારો ઉપર પસંદગી ઉતારી છે. બીજી તરફ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં નારાજગી સામે આવી હતી.