Site icon Revoi.in

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી સોંપી હતી. નિરીક્ષકોની હાજરીમાં સોમવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા સીટના ધારાસભ્ય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં બે નાયબ મુખ્યમંત્રી પણ હશે. આ માટે જે બે નામ સામે આવી રહ્યા છે. જગદીશ દેવરા અને રાજેશ શુક્લા નવા નાયબ મુખ્યમંત્રી બનશે. જગદીશ દેવરા મલ્હારગઢથી ધારાસભ્ય છે અને રાજેશ શુક્લા બિજાવરથી છે. આ સિવાય સ્પીકર પદ માટે નરેન્દ્ર સિંહ તોમરના નામની જાહેરાત કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા મોહન યાદવે માધવ સાયન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના મ્યુનિસિપલ મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. મોહન યાદવ 1982માં વિદ્યાર્થી સંઘના સહ-સચિવ તરીકે પણ ચૂંટાયા હતા. તેઓ ભાજપની રાજ્ય કારોબારીના સભ્ય અને સિંહસ્થ મધ્ય પ્રદેશની કેન્દ્રીય સમિતિના સભ્ય, મધ્ય પ્રદેશ વિકાસ સત્તામંડળના વડા, પશ્ચિમ રેલવે બોર્ડમાં સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમજ તેઓ 2013, 2018 બાદ હવે 2023માં પણ ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે.

મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. તેના પરિણામો 30 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોમાં ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને 163 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.