Site icon Revoi.in

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી ગઈ છે, તેમ રાજ્યના વન વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. આ વધારો ‘પૂનમ અવલોકન’માં નોંધવામાં આવ્યો હતો. કોવિડ-19 મહામારીના કારણે સિંહ ગણતરી 2020ની જગ્યાએ આ વર્ષના જૂન મહિનામાં પ્રથમ વખત આ કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહની વસ્તી 710થી 730ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ગણતરીની કવાયતને વાર્ષિક બનાવવામાં આવશે, જેથી દર પાંચ વર્ષના બદલે દર વર્ષે સંખ્યા પ્રકાશિત કરવામાં આવે છે. 2020ના પૂનમ અવલોકનમાં સિંહ લેન્ડસ્કેપમાં 2019ની સરખામણીમાં 28.9 ટકાના વધારા સાથે 674 જેટલી સિંહની સંખ્યા નોંધાઈ હતી. વિકાસ દર 2015માં 2010ની સરખામણીમાં 27 ટકા હતો. 2015માં સિંહની સંખ્યા 523 હતી. ગાંધીનગરમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ‘જો કે, પ્રારંભિક સંકેત એ છે કે સિંહની વસ્તી નિશ્ચિત રીતે 700નો આંકડો પાર કરી ચૂકી છે, જે સંરક્ષણ માટે આરોગ્યપ્રદ સંકેત છે.

ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, 2020ની ગણતરીમાં પુખ્ત વયના સિંહ અને પુખ્ત વયની સિંહણનું પ્રમાણ 1:1.61 હતું, જ્યારે પુખ્ય વયની સિંહણો અને બાળસિંહનું પ્રમાણ 1:0.53 હતું. આ પ્રમાણમાં ધરખમ ફેરફાર થયો નથી. સ્તનપાન કરાવતી સિંહણની (એક વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળસિંહ સાથે પુખ્ત વયની સિંહણ) ગણતરી પણ હાથ ધરવામાં આવી હતી. આ ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જૂન 2020માં પુખ્ય વયની 260 સિંહણમાંથી 23 ટકા સ્તનપાન કરાવતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં થયેલી ગણતરીમાં તે બહાર આવ્યું છે કે, સિંહની સીમા 30 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે અને તેમણે એક વર્ષમાં કોઈ નવા ક્ષેત્ર સાથે જોડાણ કર્યું નથી. 2015માં સિંહનું વિતરણ આશરે 22,000 ચોરસ કિમી વિસ્તારથી વધીને 2020માં 30 હજાર ચોરસ કિમી થઈ ગયું હતું. ગાંધીનગરના અધિકારીઓએ કહ્યું હતું કે, સિંહની સંખ્યા ગીર, મીતયાળા, ગીરનાર અને પાણીયા અભ્યારણ્યમાં સરખી છે. વસ્તી વૃદ્ધિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના ક્ષેત્રમાં થઈ રહી છે.