Site icon Revoi.in

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે બેઠકો પણ 52000થી વધીને 107,000 અને અનુસ્નાતક માટે 32,000થી 67,000 થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં 25 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે પ્રતિબિંબિત કર્યું હતું કે, “આ વૃદ્ધિ તબીબી વિદ્યાર્થીઓ માટે વધારે તકો પ્રદાન કરે છે અને ભારત રાષ્ટ્રની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ અને નિષ્ણાત ડૉક્ટરો મેળવવા સક્ષમ છે, જે વધુ સ્વસ્થ સમાજ અને વધુ સ્વસ્થ રાષ્ટ્ર તરફ દોરી જાય છે.” તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, દેશના વિકાસમાં તબીબી ક્ષેત્ર સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીઓને આગામી વર્ષોમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે આકાર આપવા અને યોગદાન કરવા માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

હેલ્થકેર વર્કર્સની ખાસ કરીને ખૂબ જ નજીકના વિસ્તારોમાં કટોકટીનો સામનો કરનારા પેરા-મેડિકલ સ્ટાફની બહાદુરી માટે પ્રશંસા કરતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેમનાં યોગદાને ભારતને પાવરહાઉસ તરીકેની સમજણ વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. વસુધૈવ કુટુમ્બકમ્‌ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં પ્રધાનમંત્રીનાં વિઝનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, “તે આપણને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’નાં સૂત્ર સાથે સુસંગત સ્વસ્થ ભારત માટે જ નહીં, પણ વધુ સ્વસ્થ વિશ્વ માટે પણ પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે.

પ્રો.એસ.પી.સિંઘ બઘેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય તબીબોની તાકાત અને મૂલ્ય એવું છે કે વિશ્વના દરેક ભાગમાં એક ભારતીય ડૉક્ટર સેવામાં જોવા મળશે. તેમણે આભા કાર્ડને આઝાદી પછી ભારતે જોયેલા સૌથી મહાન ઘટનાક્રમમાંનો એક ગણાવ્યો હતો, જે હેલ્થકેર સેવાઓને અતિ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયને લાભ આપવા સક્ષમ બનાવે છે. તબીબી શિક્ષણ તેના સુવર્ણયુગમાં છે તે બાબત પર પ્રકાશ પાડતા તેમણે શ્રોતાઓમાંના ટોપર્સને તેમના અનુભવો અને પ્રેરણાઓ નાનાં શહેરો અને ગામડાઓની કૉલેજો અને શાળાઓ સાથે વહેંચવા વિનંતી કરી હતી, જેથી તેઓ આજે જે ટોચ પર છે ત્યાં પહોંચવા માટે તેમને પ્રેરણા આપી શકે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ડૉ. વી. કે. પૌલે તબીબી શિક્ષણ અને સંબંધિત સંસ્થાઓની વૃદ્ધિ અને વિકાસની પ્રશંસા કરી હતી અને છેલ્લાં આઠ વર્ષમાં થયેલાં પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. આ ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “સિસ્ટમમાં શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલને કારણે તબીબી શિક્ષણ માટે આ પરિવર્તનકારી સમય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો ત્રણ ગણી વધીને 4000 બેઠકોથી વધીને 13000થી વધુ બેઠકો થઈ છે. આચરણમાં ફેરફાર પર ભાર મૂકતા, તેમણે નવા નિયમનકાર તરીકે રાષ્ટ્રીય તબીબી આયોગનો ઉમેરો, નીટની રજૂઆતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં યોગ્યતા-આધારિત અભ્યાસક્રમ તેમજ ડિસ્ટ્રિક્ટ રિજન્સી પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જે બીજા વર્ષના તમામ પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જિલ્લા હૉસ્પિટલોમાં તેમની સેવાઓ 3 મહિના માટે પૂરી પાડવાનો આદેશ આપે છે, જે તેમને વંચિતોને સેવા આપવા માટે સક્ષમ બનાવે છે.

નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) એ ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેને અખિલ ભારતીય ધોરણે આધુનિક ચિકિત્સાનાં ક્ષેત્રમાં પરીક્ષાઓ યોજવાનું કામ સોંપવામાં આવ્યું છે. એનબીઇએમએસ છેલ્લા 04 દાયકાથી તબીબી શિક્ષણનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે અને વિવિધ હૉસ્પિટલોની માળખાગત સુવિધાઓનો ઉપયોગ ગુણવત્તાયુક્ત પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટડૉક્ટરલ તાલીમ પૂરી પાડવા માટે કરે છે. એનબીઇએમએસ દ્વારા વર્ષોવર્ષ નીટ-પીજી, નીટ-એસએસ અને નીટ-એમડીએસની પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે. એનબીઇએમએસએ વિવિધ વિશેષતાઓમાં 12,000 પીજી બેઠકો ધરાવતી 1100થી વધારે હૉસ્પિટલોને એક્રેડિટેશન પણ આપ્યું છે.