નવી દિલ્હી, 30 મે 2026: દેશમાં મહિલાઓની ડિજિટલ પહોંચ અને આર્થિક સશક્તિકરણના ક્ષેત્રમાં ઐતિહાસિક પ્રગતિ નોંધાઈ છે. જાહેર થયેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટ મુજબ, ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારી મહિલાઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ બમણી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-21 દરમિયાન માત્ર 33.3 ટકા મહિલાઓએ ક્યારેક ને ક્યારેક ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 2023-24 ના આંકડા મુજબ આ પ્રમાણ વધીને 64.3 ટકા થઈ ગયું છે. આનો અર્થ એ છે કે દેશની લગભગ બે તૃતીયાંશ મહિલાઓ હવે ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાઈ ચૂકી છે. નિષ્ણાતો આને મહિલાઓની વધતી ડિજિટલ ભાગીદારી અને ટેક્નોલોજી સુધીની સરળ પહોંચનો સકારાત્મક સંકેત માની રહ્યા છે.
મોબાઈલ ફોન ધરાવતી મહિલાઓની ટકાવારી 53.9 ટકાથી વધીને 63.6 ટકા નોંધાઈ
માત્ર ઈન્ટરનેટ જ નહીં, મહિલાઓની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સર્વે મુજબ, પોતાનું બેંક અથવા બચત ખાતું ધરાવતી મહિલાઓની સંખ્યા 78.6 ટકાથી વધીને 89 ટકા થઈ ગઈ છે. ઉપરાંત પોતાનો મોબાઈલ ફોન ધરાવતી મહિલાઓની ટકાવારી 53.9 ટકાથી વધીને 63.6 ટકા નોંધાઈ છે. આ પરિવર્તન દર્શાવે છે કે મહિલાઓ હવે નાણાકીય અને ડિજિટલ એમ બંને સ્તરે પહેલા કરતા વધુ આત્મનિર્ભર બની રહી છે. આ રિપોર્ટમાં કિશોરીઓ અને યુવતીઓના સ્વાસ્થ્યને લઈને પણ એક પ્રોત્સાહક ચિત્ર સામે આવ્યું છે. 15 થી 24 વર્ષની વયજૂથની મહિલાઓમાં સુરક્ષિત અને સ્વચ્છ માસિક ધર્મ પ્રોડક્ટ્સના ઉપયોગની ટકાવારી 77.6 ટકાથી વધીને 79.2 ટકા થઈ છે. સરકારનું કહેવું છે કે માસિક ધર્મ સ્વચ્છતા યોજના અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તા સેનિટરી પેડ્સ ઉપલબ્ધ કરાવવા જેવી યોજનાઓએ આ જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સર્વેના પરિણામો માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ, મહિલા સશક્તિકરણ અને પાયાની સેવાઓ સુધીની પહોંચમાં સતત સુધારો દર્શાવે છે. જોકે, રિપોર્ટમાં એ ચેતવણી પણ આપવામાં આવી છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બિન-ચેપી બીમારીઓ, અસંતુલિત જીવનશૈલી અને વધતી જતી સ્થૂળતા એક નવા પડકાર તરીકે ઉભરી રહ્યા છે. આ સર્વે 2023-24 દરમિયાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ (IIPS) તેની નોડલ એજન્સી રહી હતી. આ સર્વેમાં દેશના 715 જિલ્લાના લગભગ 6.79 લાખ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન’ (નાણાકીય સમાવેશ) જેવી સરકારી પહેલોની અસર હવે દેશની મહિલાઓના જીવનમાં જમીની સ્તરે જોવા મળી રહી છે. ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને બેંકિંગ સેવાઓ મહિલાઓને નવી તકો આપી રહી છે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે.

