ચહેરા પર કુદરતી ચમક જાળવી રાખવા માટે માત્ર મોંઘી ક્રીમ કે ફેશિયલ જ પૂરતા નથી, પરંતુ યોગ્ય ડાયટ અને નેચરલ સ્કિન કેર પણ એટલી જ જરૂરી છે. ફળો વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો ખજાનો હોય છે, જે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ જાદુઈ અસર કરે છે. બજારમાં મળતા મોટાભાગના બ્યુટી પ્રોડક્ટ્સ ફ્રૂટ બેઝ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ફળોના જે છિલકા આપણે ફેંકી દઈએ છીએ, તે ત્વચા માટે કેટલા ફાયદાકારક છે?
-
કેળાની છાલ: ખીલ અને ડાર્ક સ્પોટ્સમાં રાહત
પોટેશિયમ, વિટામિન-સી અને બી-કોમ્પ્લેક્સથી ભરપૂર કેળાની છાલ ત્વચાને મુલાયમ બનાવવા માટે શ્રેષ્ઠ છે. કેળાની છાલના અંદરના ભાગને ચહેરા કે હાથ-પગ પર સીધો ઘસવાથી ત્વચાની અશુદ્ધિઓ દૂર થાય છે. તે ખીલ અને કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખી કુદરતી ચમક આપે છે.
- પપૈયાની છાલ: કુદરતી એક્સફોલિએટર
પપૈયામાં ‘પેપેન’ નામનું એન્ઝાઇમ હોય છે જે ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે. તેની છાલને અંદરની તરફથી ચહેરા પર 2-3 મિનિટ હળવા હાથે ઘસવાથી ત્વચાની ઊંડી સફાઈ થાય છે. તે કોલેજન બૂસ્ટ કરી ત્વચાને યંગ અને ગ્લોઇંગ બનાવે છે. તમે આ છાલનો પેસ્ટ બનાવી ફેસ પેક તરીકે પણ વાપરી શકો છો.
- લીંબુની છાલ: ટેનિંગ દૂર કરવાનો રામબાણ ઈલાજ
ઉનાળામાં હાથ-પગમાં ટેનિંગ થવું સામાન્ય છે. લીંબુના છિલકાને ફેંકવાને બદલે તેના અંદરના ભાગમાં થોડી ખાંડ અથવા કોફી પાવડર લગાવીને હાથ-પગ પર રગડો. તેનાથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચા સાફ દેખાશે. ખાસ નોંધ કે, લીંબુની છાલ સીધી ચહેરા પર ઘસવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ત્વચાને ઈરિટેટ કરી શકે છે.
- સંતરાની છાલ: નેચરલ સ્ક્રબ અને ગ્લો
સંતરાની છાલનો પાવડર તો ઘણા વાપરે છે, પરંતુ તાજી છાલ પણ એટલી જ ગુણકારી છે. સંતરાની છાલને અંદર અને બહાર બંને તરફથી ચહેરા પર હળવા હાથે ઘસી શકાય છે. બહારના ભાગને થોડો ક્રશ કરીને ઘસવાથી તેનું જ્યુસ ત્વચામાં ઉતરે છે, જે ટેનિંગ દૂર કરી નેચરલ સ્ક્રબ તરીકે કામ કરે છે.
- તરબૂચની છાલ: હાઇડ્રેશન અને ઓઈલી સ્કિનથી છુટકારો
ઉનાળામાં તરબૂચ ખાઈને તેની છાલ ફેંકી દેવાની ભૂલ ન કરો. તરબૂચની છાલનો સફેદ ભાગ ત્વચાને ઠંડક આપે છે અને હાઇડ્રેટ રાખે છે. તેની પ્યુરી બનાવીને આઈસ ક્યુબ્સ બનાવી લો અને તેનાથી ફેસ મસાજ કરો. આ પિંપલ્સ ઘટાડવા અને ઓઈલી સ્કિનની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે.
સ્કિન કેર મોંઘી હોવી જરૂરી નથી. ફળોના છિલકા એ બિલકુલ મફત અને કુદરતી રસ્તો છે તમારી ત્વચાને હેલ્ધી રાખવાનો. તો હવેથી ફળોના છિલકા કચરાપેટીમાં નાખવાને બદલે તમારી સુંદરતા નિખારવા માટે વાપરો!

