Site icon Revoi.in

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

Social Share

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.

તેમણે કહ્યુ છે કે મને લાગે છે કે આ આપણા સંયુક્ત હિતમાં છે કે આપણે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાઓની વધુ તહેનાતી કરવી જોઈએ નહીં. મને લાગે છે કે આ આપણા સંયુક્ત હિતમાં છે કે આપણે એ કરારોનું પાલન કરવું જોઈએ જેના પર આપણે હસ્તાક્ષર કર્યા છે. આ માત્ર ભારત જ નહીં, પણ ચીનના પણ હિતમાં છે. ગત ચાર વર્ષોમાં બંને દેશોની વચ્ચેના તણાવથી કોઈપણને ફાયદો થયો નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે ભારત હંમેશાથી સીમા વિવાદના તટસ્થ અને તર્કસંગત સમાધાનને લઈને પ્રતિબદ્ધ છે અને એલએસીને સ્વીકારે છે. તેમણે કહ્યુ છે કે આપણે આ વિવાદને જેટલો જલ્દી ઉકેલી લઈશું. આપણા બંને માટે તેટલું જ સારું છે.

જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચીનની સાથે સીમા વિવાદને લઈને ઘણાં તબક્કાની વાતચીત થઈ ચુકી છે. જૂન- 2020માં પૂર્વ લડાખની ગલવાન ઘાટીમાં થયેલી  ઘર્ષણની સ્થિતિ બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવ બનેલો છે. આ ગતિરોધને શાંત કરવા માટે બંને દેશો વચ્ચે ઘણાં તબક્કાની રાજકીય અને સૈન્ય વાટાઘાટો થઈ ચુકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ નીકળ્યો નથી. હાલ બંને પક્ષ શાંતિ જાળવી રાખવા માટે સંમત થયા છે.

ચીન તરફથી સીમા વિવાદને ઉકેલવા માટે કરવામાં આવેલી પેશકશના સવાલ પર જયશંકરે કહ્યુ છે કે કોઈપણ દેશ સીમા વિવાદને ઉકેલવામાં સામેલ છે, તો તેણે વિશ્વાસ કરવો પડશે કે આનું સમાધાન થવું જોઈએ.

જયશંકરે રશિયા અને ચીનના નજીક આવવા પર પણ પોતાની વાત રજૂ કરતા કહ્યુ છે કે જો રશિયા અને ચીન નજીક આવે છે, તો તે કોઈ મુદ્દો નથી. આ ભારતનું કામ નથી. રશિયાને લઈને આપણી નીતિ બિલકુલ સ્પષ્ટ અને ઉદેશ્યપૂર્ણ છે.

પાકિસ્તાન સાથે વાતચીતના મુદ્દા પર વિદેશ મંત્રીએ કહ્યુ છે કે પાકિસ્તાન સાથે વાતચીત માટે ભારતે પોાતના દરવાજા ક્યારેય બંધ કર્યા નથી,. પરંતુ વાતચીતના કેન્દ્રમાં આતંકવાદના મુદ્દા નિષ્પક્ષ અને સ્પષ્ટ હોવા જોઈએ. તેમણે કહ્યુ છે કે વાતચીતમાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રમાં હોવો જોઈએ. મુદ્દા બીજા પણ છે. પરંતુ વાત કરવા માટે આતંકવાદના મુદ્દાને ટાળી શકાય નહીં.