ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીએ માઝા મૂકી છે. વધતા જતા તાપમાનમાં હીટસ્ટ્રોક અને લૂથી બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. સામાન્ય રીતે ઉનાળો આવતા જ લોકોના મનમાં સ્વાદિષ્ટ કેરીના વિચાર આવવા લાગે છે, પરંતુ આ જ ઋતુમાં બજારમાં કારેલાનું પણ આગમન થાય છે. જોકે, કારેલાનું નામ પડતા જ ઘણા લોકો મોં બગાડે છે, પણ શું તમે જાણો છો કે કડવા લાગતા કારેલા ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ‘વરદાન’ સમાન છે? આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગરમીમાં કારેલા ખાવાથી શરીરને આંતરિક ઠંડક મળવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
-
શરીરને રાખે છે ઠંડુ અને હાઇડ્રેટેડ
કારેલાની પ્રકૃતિ શીતળ (ઠંડી) હોય છે. ઉનાળામાં જ્યારે શરીરનું તાપમાન વધે છે, ત્યારે કારેલા પિત્તને શાંત કરી શરીરને અંદરથી ઠંડક આપે છે. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરમાં ભેજ જાળવી રાખે છે અને ડિહાઇડ્રેશન (પાણીની અછત) સામે રક્ષણ આપે છે.
- પાચનતંત્ર માટે રામબાણ ઈલાજ
ગરમીના દિવસોમાં પાચનશક્તિ ઘણીવાર નબળી પડી જાય છે. કારેલામાં રહેલા ભરપૂર ફાઈબર કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે અને ભૂખ વધારે છે. તે લિવરને ડિટોક્સ કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી ઇન્સ્યુલિન
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા કોઈ દવાથી ઓછા નથી. તેમાં ‘ચારેન્ટિન’ અને ‘પોલિપેપ્ટાઈડ-પી’ જેવા તત્વો હોય છે જે કુદરતી રીતે ઇન્સ્યુલિન જેવું કામ કરે છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
- બ્લડ પ્યુરિફાયર અને સ્કીન ગ્લો
ઉનાળામાં અળાઈઓ, ખીલ અને રેશિસ જેવી ત્વચાની સમસ્યાઓ સામાન્ય છે. કારેલા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી લોહી સાફ થાય છે, જેનાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે અને ઇન્ફેક્શનનો ખતરો ઘટે છે.
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો
વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર કારેલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે ઉનાળામાં થતા વાયરસ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
જો તમને કારેલાની કડવાશ પસંદ ન હોય, તો તેને કાપીને થોડીવાર મીઠું લગાવીને રાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. વધુ ફાયદા માટે સવારે ખાલી પેટે કારેલાનો જ્યુસ પી શકાય છે. ઓછા તેલમાં કારેલાનું શાક બનાવી શકાય છે. જો બાળકોને સ્વાદ ન ગમતો હોય તો તેમાં બટાકા કે ડુંગળી ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

