Site icon Revoi.in

કોરોના ઈફેક્ટઃ આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા મોકુફ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેનાથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને પણ ગંભીર અસર થઈ રહી છે. દરમિયાન અમદાવાદ સહિત આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જોકે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આ પરીક્ષા 15થી 30 એપ્રિલ સુધી લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડે પહેલા આ પરીક્ષા તા. 15મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી લેવા નિર્દેશ કર્યો હતો. જો કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધો.10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. જ્યારે ચિત્ર સહિતના મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે. આ પરીક્ષાના ગુણ સ્કૂલ દ્વારા બોર્ડને મોકલી આપવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50 ટકા પ્રેક્ટિકલ અને 50 ટકા થીયરીની પરીક્ષા હોય છે. આમ તો દર વર્ષે આ પરીક્ષા અગાઉથી જ એકેડમિક કેલેન્ડરમાં દર્શાવી દેવાય છે અને ફેબ્રુઆરીમાં લઈ લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે બોર્ડે આ પરીક્ષા તમામ સ્કૂલોને 15-17 એપ્રિલ દરમિયાન લઈ લેવા સૂચના આપી હતી.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર શહેરમાં તા. 30મી એપ્રિલ સુધી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. જ્યારે અન્ય શહેરો અને નગરોમાં તા. 15થી 30મી એપ્રિલ સુધી પરીક્ષા લેવા માટે સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. સરકારની કોરોનાની પાલન પરીક્ષા દરમિયાન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.  આ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના વિધાર્થીઓ DEOની મંજુરી લેવી પડશે.