Site icon Revoi.in

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્વચાને ઠંડક આપશે આ 5 પરંપરાગત નુસખા

Social Share

હાલ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે બફારા અને ગરમીને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી કુદરતી વસ્તુઓનો ઉપયોગ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે થતો આવ્યો છે. ઉનાળાના આ દિવસોમાં મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સને બદલે રસોડામાં અને ઘરઆંગણે રહેલી પાંચ કુદરતી વસ્તુઓ ત્વચાને ‘કૂલિંગ ઈફેક્ટ’ આપીને ખીલ, રેશિઝ અને સનબર્ન જેવી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

ભારતીય પરંપરામાં ચંદનનું મહત્વ અનેરું છે. પૂજા-પાઠમાં તિલક સિવાય સ્કિન કેર માટે પણ ચંદન શ્રેષ્ઠ ગણાય છે. ચંદનની પ્રકૃતિ શીતળ હોવાથી તે ત્વચાની બળતરા ઘટાડે છે અને સન-ડેમેજથી બચાવે છે. ચંદન પાવડરમાં ગુલાબજળ મેળવીને ફેસપેક લગાવવાથી રંગત નિખરે છે. જો ગરમીને કારણે માથામાં દુખાવો થતો હોય તો ચંદનનો લેપ કપાળ પર લગાવવાથી તુરંત રાહત મળે છે.

ઉનાળો શરૂ થતા જ ભારતીય ઘરોમાં ખસનો ઉપયોગ વધે છે. ખસ કુદરતી રીતે ઠંડક પહોંચાડે છે. જે રીતે ખસના પડદા ઘરને ઠંડુ રાખે છે, તેવી જ રીતે તેનું શરબત શરીરને અંદરથી ઠંડક આપે છે. ખસને પાણીમાં પલાળીને તે પાણીથી સ્નાન કરવાથી ઉનાળામાં થતા અળાઈ અને ઝીણી ફોડલીઓ (ઘમૌરી) માંથી મુક્તિ મળે છે.

દહીં માત્ર ખાવા માટે જ નહીં પણ ત્વચા માટે પણ વરદાનરૂપ છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ડેડ સ્કિન અને ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે. દહીંને બરાબર ફીણીને તેમાં ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાવવાથી ટેનિંગ ઓછું થાય છે અને ત્વચા નરમ બને છે. તે ત્વચાને કુદરતી ભેજ પૂરો પાડે છે.

આયુર્વેદમાં એલોવેરાને ‘ઘૃતકુમારી’ તરીકે ઓળખવામાં આવે છે. ગરમીમાં ત્વચા પર થતા રેશિઝ અને બળતરા માટે એલોવેરા જેલ અત્યંત અસરકારક પાવરફુલ ઇન્ગ્રેડિએન્ટ છે. તેનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. શુદ્ધ એલોવેરા જેલ ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને તેને મુલાયમ બનાવે છે.

ઉનાળામાં ત્વચાનું તેલ (Oil) નિયંત્રિત કરવા માટે મુલ્તાની માટી શ્રેષ્ઠ છે. મુલ્તાની માટીમાં એલોવેરા, હળદર, ચંદન પાવડર અને ગુલાબજળ મિશ્ર કરીને લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. ખાસ વાત એ છે કે મુલ્તાની માટીનો ઉપયોગ વાળ ધોવા માટે પણ કરી શકાય છે, જે વાળને કુદરતી ચમક આપે છે.

આ પાંચેય વસ્તુઓ સંપૂર્ણપણે કુદરતી હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી અને તે ખિસ્સાને પણ પરવડે તેવી છે. ઉનાળાના આકરા તડકા સામે રક્ષણ મેળવવા માટે આ પરંપરાગત ઉપાયો અપનાવવા હિતાવહ છે.

Exit mobile version